
શ્રીમદ્ દેવી ભાગવતના સપ્તમ સ્કંધમાં ભગવતી ગીતા વર્ણવેલી છે. ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રમાં ગાઈ એ 'ભગવદ્ ગીતા' અને જગદંબાએ જે દેવોને ઉપદેશ આપ્યો એ 'ભગવતી ગીતા.' જે જ્ઞાન ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને આપ્યું એવું જ જ્ઞાન માતાજીએ દેવોને આપ્યું.
શ્રીમદ્ દેવી ભાગવતના સપ્તમ સ્કંધમાં દેવોએ માતા જગદંબાની સ્તુતિ કરી. દેવોની સ્તુતિ સાંભળી માતાજી પ્રસન્ન થયાં. શ્રીમદ્ દેવી ભાગવતના સપ્તમ સ્કંધમાં અધ્યાય ૩૨ થી ૪૦ સુધી જે માતાજીએ ઉપદેશ આપ્યો એ 'ભગવતી ગીતા'ના નામે પ્રસિદ્ધ થયો. માતાજીએ દેવોને આત્મ તત્ત્વનું નિરૂપણ કર્યું. ભગવતી બોલ્યાં કે, 'હે દેવો ! મનુષ્યનું શરીર મરે છે પણ આત્મા અમર છે. આત્મા ક્યારેય જન્મતો નથી કે મરતો નથી.' ભગવતી બોલ્યાં કે, 'હે દેવો ! આ શરીર એ રથ છે. એ રથ ઉપર બેસવાવાળો આત્મા એ રથી છે. બુદ્ધિ એ સારથી છે. ઈન્દ્રિયો એ અશ્વ છે અને મન એની લગામ છે. શરીરરૂપી રથની સારથી એ બુદ્ધિ છે. રથ તો જ બરાબર ચાલે જો તેનો સારથી સારો હોય. એટલે હંમેશાં ભગવાન કે માતાજી પાસે જ્યારે જ્યારે પણ કંઈ માંગીએ ત્યારે સુમતિ માંગીએ.'
અહીં એક પ્રસંગ સ્મરણ થાય છે કે, એક શેઠજી ઉપર મહાલક્ષ્મી માતાજીની ખૂબ કૃપા હતી. રાત્રિના સમયે શેઠને મહાલક્ષ્મી માતાજીએ દર્શન આપ્યાં. દર્શન આપી માતાજીએ કહ્યું કે, 'હે શેઠ ! તમે તમારા જીવનમાં ખૂબ સારાં સત્કર્મો કર્યાં છે. માટે મેં તમને દર્શન આપ્યા છે. પણ હવે હું તમારું ઘર છોડી ચાલી જાઉં છું. પણ જતાં પહેલાં મારી ઈચ્છા છે કે તમે કોઈ વરદાન માંગો.' ત્યારે શેઠજીએ કહ્યું કે, 'માતાજી મને થોડો સમય આપો.' બીજે દિવસે શેઠજીએ પરિવારને બેસાડી જે કંઈ ઘટના ઘટી હતી તે સઘળી વર્ણવી અને પૂછયું કે, 'મારે માતાજી પાસે શું માંગવું !?' ત્યારે શેઠના પુત્રવધુએ કહ્યું કે, 'તમે માતાજી પાસે માંગજો કે અમને સુમતિ આપો.' રાત્રિના સમયે ફરીથી માતાજીએ દર્શન આપ્યાં કહ્યું કે, 'શેઠ ! આજે હું તમારું ઘર છોડીને જવાની છું માટે તમે કંઈક માંગો.' ત્યારે શેઠજીએ કહ્યું કે, 'હે માતાજી ! અમારી એવી ઈચ્છા છે કે અમને સુમતિ આપો.' આ શબ્દ સાંભળી માતાજી પ્રસન્ન થયાં. કહ્યું કે, 'હે શેઠ ! તમારો પરિવાર ખૂબ સંસ્કારી છે અને એ ઉત્તમ સંસ્કાર જ આ વરદાનમાં પ્રગટ થયાં છે. તમે જે વરદાન માંગ્યું એનાથી હું અત્યંત પ્રસન્ન છું અને હવે હું તમારું ઘર છોડીને ક્યારેય જઈશ નહિં.'
આ દૃષ્ટાંતનું તાત્પર્ય એ છે કે શરીરરૂપી રથની સારથી બુદ્ધિ છે. જ્યાં સુમતિ હોય ત્યાં સંપત્તિ આવે જ. એ જ આ દૃષ્ટાંતનો ભાવ છે.
માતાજીએ દેવોને કહ્યું કે, 'આ શરીર એક વૃક્ષ છે. શરીરરૂપી વૃક્ષ ઉપર બે પક્ષીઓ બેઠા છે. જીવાત્મા અને પરમાત્મા. જેમાં જીવ એ વિષયનો ઉપભોગ કરે છે પણ આત્મા એ બધાનો સાક્ષી છે. માતાજીએ દેવોને અષ્ટાંગ યોગનું વર્ણન કર્યું. પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યાં.' માતાજીનું વિરાટ સ્વરૂપ દેવો જોઈ શક્યા નહિં. દેવોએ કહ્યું કે, 'અમને સૌમ્ય સ્વરૂપના દર્શન કરાવો.' માતાજીએ સૌમ્ય સ્વરૂપ પ્રગટ કર્યું. દેવોએ માતાજીને પૂછયું કે, 'તમને ક્યાં-ક્યાં વ્રતો પ્રિય છે!?' ત્યારે માતાજીએ કહ્યું કે, 'મંગળવાર, શુક્રવાર, પ્રદોષ અને નવરાત્રી વ્રત - આ બધા વ્રતો મને અત્યંત પ્રિય છે.' જ્યારે દેવોએ સ્થાન વિષે પૂછયું ત્યારે માતાજીએ કહ્યું કે, 'કોલ્હાપુર, તુળજાપુર, સપ્તશ્રીંગી આ બધા મારા પવિત્ર સ્થાનો છે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે વ્યક્તિએ આ પવિત્ર સ્થાનોના દર્શન કરવા જોઈએ.'
માતાજીએ દેવોને કહ્યું કે, 'જે જ્ઞાન મેં તમને આપ્યું છે તે તમે અધિકારીને આપજો.' આટલું કહી જગદંબા અંતરધ્યાન થયાં. શ્રીમદ્ દેવી ભાગવતમાં ભગવતી ગીતા એ અતિ મહત્ત્વનો વિષય છે. માતા ભગવતીએ દરેક વિષયોની ખૂબ વિસ્તૃત ચર્ચા કરી છે. મેં તો અહીં ખાલી આચમન કરાવવાનો પ્રયત્ન કર્યો. શક્તિની ભક્તિમાં મગ્ન થઈ આપણે આપણા જીવનને કૃતાર્થ કરીએ એ જ અભ્યર્થના સાથે અસ્તુ.
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી