
ગુજરાતમાંથી જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ હોય તેમ સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં ગુજરાતમાં ત્રણ અલગ અલગ સ્થળો પર ગંભીર અકસ્માત સર્જાયા હોવાની માહિતી મળી રહી છે. જેમાં કુલ 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ભાવનગરમાં ડમ્પર નીચે આવી જતા પરપ્રાંતીય યુવકનું મોત
ભાવનગર જિલ્લાના તળાજામાં આશાપુરા હોટલ નજીક એક પરપ્રાંતિય યુવક ડમ્પર નીચે સૂતો હોય અને ડમ્પરના ડ્રાઈવરને ખબર ના હોઈ ગાડી ચાલુ કરી રિવર્સમાં લીધી હતી. જ્યાં ગાડી નીચે સુતેલ પરપ્રાંતીય યુવક પર વ્હીલ ચડી જતા ઘટના સ્થળે જ યુવ નું મોત નીપજ્યુ હતું.
ગાંધીનગરમાં કારચાલકે ફાયરમેનને અડફેટે લીધો
ગાંધીનગરના સેક્ટર 12માં આવેલી સિવિલ હોસ્પિટલ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 20 વર્ષીય કાર ચાલકે એક્ટિવા લઇને જઇ રહેલા ફાયરમેનને પાછળ ટક્કર મારતાં એક્ટિવા ચાલક નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ટોળાને જોઇને કાર ચાલક ગાડી મૂકીને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પાસે આજે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફાયરમેન કરણસિંહ ડોળ ગ- ૩ રોડ તરફથી ઘ-૩ તરફ જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી ગાડી લઈને આવી રહેલા કિશન ચૌધરી નામના કાર ચાલકે ટક્કર મારી હતી. જેમાં ફાયરમેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માતના સ્થળે ટોળું ભેગું થઈ જતાં કાર ચાલક આરોપી કિશન ચૌધરી ગાડીમાંથી ભાગીને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. ઘટના સ્થળે કાર્યવાહી કરવામાં આવતા પોલીસ દ્વારા અકસ્માતની કાર રિકવર કરી પંચનામું કરવામાં આવ્યું હતું. આરોપી હાલ પોલીસ સ્ટેશનમાં છે. મૃતક કરણસિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી તેમના પરિવારને આપવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આરોપી કિશન ચૌધરીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર ગામનો વતની છે. જ્યારે મૃતક કારણસિંહ ડોળ ધોળકા તાલુકાના બદરખા ગામના હોવાનું જાણવા મળ્યું છે.
આણંદમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કિસ્સો સામે આવ્યો
આણંદના ભાલેજ ચોકડી પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. ડ્રિંક એન્ડ ડ્રાઇવનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જે પૈકી એક યુવક આવતી કાલે વિદેશ જવાનો હતો. બે નબીરાઓ દારૂના નશામાં ચૂર થઈ આણંદથી ડાકોર તરફ જતા ગાડી પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જ્યાં ગાડીમાંથી બિયરના ટીન મળી આવી હતી.
ડ્રિંક એન્ડ ડ્રાઇવ મામલામાં સંડોવાયેલા બેમાંથી એક યુવક કૃણાલ આવતીકાલે વિદેશ જવાનો હતો. નશામાં ચૂર થઈને ગાડી હંકારવી બંને નબીરાઓને ભારે પડી હતી. ભાલેજ પોલીસ મથકમાં બંને વિરુદ્ધ નશામાં ગાડી ચલાવવી અને પ્રોહીબિશનનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. 3 મહિના પહેલા દુબઈથી આવેલ કુણાલ સેવક જર્મની જવાનો હતો. યુવક જર્મનીની ફ્લાઈટ પકડે તે પહેલા ડ્રિંક એન્ડ ડ્રાઇવમાં પોલીસે તેને ઝડપી પાડ્યો છે.