
ભાવનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં એક શખ્સે પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા પીધી હોવાનો મામલો સામે આવ્યો છે. ભાવનગર શહેરમાં રહેતા યુવકે પોલીસના માર મારવાના ડરથી એલસીબી ઓફિસમાં ઝેરી દવા પી લીધી હતી. જો કે, હાલ તો તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતો તુષાર ભરતભાઈ માળી જે અગાઉ સાત જેટલા ગુનામાં ઝડપાયેલ હતો. તેથી તેને એલસીબી ઓફિસ ખાતે ગુના સંબંધિત કોઈ કામે બોલાવવામાં આવ્યો હતો. જ્યાં યુવકે એલસીબી ઓફિસમાં જઈને ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુવકની માતા દ્વારા આક્ષેપ કરાયો છે કે, પોલીસ દ્વારા તેની પાસે માર નહિ મારવાના ત્રણ લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી અને જેને લઇ તેને આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું.