
કચ્છ: અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 પેસેન્જરના મોત થયા છે જેને લઈને સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં શોકનો માહોલ છે. આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવદેહ તેમના ઘરે રાજકોટ પહોંચ્યો છે અને અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા દુર્ઘટનાના પગલે રાજ્યમાં શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ભુજ તાલુકા ભાજપના નેતા ભાન ભૂલ્યા હતા.
રાજ્યમાં રાજકીય શોક વચ્ચે ભાજપ ધારાસભ્ય અને નેતાઓએ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજ્યો હતો. ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજી જોધાની સહિત ભાજપના નેતાઓએ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજ્યો હતો. એકબાજુ હજુ પૂર્વ મુખ્યમંત્રી તથા ભાજપ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનને પગલે રાજ્યમાં શોક છે બીજી તરફ ભાજપના ધારાસભ્ય ભુજમાં રોડ રસ્તાના રિસર્ફેસનું ખાતમુહુર્ત કર્યું હતું. ખાતમુહર્ત કર્યા બાદ ભાજપ ધારાસભ્ય અને નેતાઓએ કાર્યક્રમમાં ફોટા સોશિયલ મીડિયામાં મુખ્ય હતા. જો કે આ મામલે મીડિયાએ ભાજપ ધારાસભ્યનું ધ્યાન દોરતા બચાવમાં તેમણે સોશિયલ મીડિયામાંથી ફોટા હટાવી દીધા હતા.
શોક દરમિયાન, રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. આ ઉપરાંત, શોકના દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.