
બિહારના બિઝનેસમેન ગોપાલ ખેમકા હત્યા કેસમાં પટણા પોલીસને એક મોટી સફળતા મળી છે. આ કેસમાં સંડોવાયેલ વિકાસ ઉર્ફે રાજાનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર રાજાએ આ હત્યા માટે હથિયારો પૂરા પાડ્યા હતા અને તેની ધરપકડ માટે દરોડા દરમિયાન તેણે ગોળીબાર શરૂ કરી દીધો હતો.
ઉદયગિરી એપાર્ટમેન્ટમાં દરોડો
આ પહેલા પોલીસે શૂટર ઉમેશ યાદવની ધરપકડ કરી હતી. ઉમેશ યાદવે પોલીસને હત્યા પાછળનું કારણ જણાવ્યું હતું. આ પછી, પોલીસે પટનાના ઉદયગિરી એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો અને ત્રણ લોકોને ઝડપી લીધા. પોલીસ હાજીપુર વિસ્તારના કેટલાક લોકોને પણ પૂછપરછ માટે લાવી છે. એવું માનવામાં આવે છે કે ગોપાલ ખેમકાની હત્યા જમીન વિવાદમાં થઈ હતી.
પોલીસે સોમવારે શૂટર ઉમેશ યાદવને તેના ઘર નજીકથી પકડ્યો હતો. ઉમેશે પોલીસને જણાવ્યું હતું કે તેને હત્યા માટે પૈસા મળ્યા હતા. આ પછી પોલીસની એક ટીમ ઉદયગિરી એપાર્ટમેન્ટ પહોંચી. ત્યાં એક ફ્લેટ પર દરોડો પાડવામાં આવ્યો હતો અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને ફ્લેટમાંથી જમીન સંબંધિત કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા છે.
જમીન વિવાદમાં હત્યા થયાની આશંકા
પોલીસને શંકા છે કે ગોપાલ ખેમકાની હત્યા જમીન વિવાદમાં કરવામાં આવી હતી. આ વિવાદ હાજીપુરમાં 14 વિઘા જમીન સાથે સંબંધિત છે. ગોપાલ ખેમકાના પુત્ર ગુંજન ખેમકાની પણ 2018માં આ જ જમીન વિવાદમાં હત્યા કરવામાં આવી હતી.
શૂટર ઉમેશની ધરપકડ કર્યા પછી પોલીસે પટના શહેર અને હાજીપુરમાં પણ દરોડા પાડ્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં છ લોકોની અટકાયત કરી છે. પોલીસે બેઉર જેલમાં બંધ કુખ્યાત અજય વર્માની પણ પૂછપરછ કરી છે.