ગુજરાતના કેશોદમાં ભાજપના નેતા વિરુદ્ધ લોકોનો રોષ ફાટ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે કેશોદ તાલુકાના અજાબ ગામમાં ભાજપના આગેવાનોની મુલાકાત દરમિયાન ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં હાજરી આપવા આવેલા ભાજપના નેતાઓ સામે ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો.
વચનો પૂર્ણ ન થયા હોવાનો આક્ષેપ લગાવ્યો
ગ્રામજનોએ રસ્તાઓના બાંધકામ માટેના વચનો પૂર્ણ ન થયા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. ભાજપના ધારાસભ્ય દેવાભાઇ માલમ, ભાજપ જિલ્લા સંગઠન પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિતના નેતાઓમાં 'જાયે તો કહાં જાયે' જેવા ઘાટ ઘડાયાં હતા.
ભાજપના આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધની ચેતવણી આપવામાં આવી
આ ઘટનાએ રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે, અને ગામમાં ભાજપના આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધની ચેતવણી આપવામાં આવી છે. ગામના લોકોએ જણાવ્યું કે અમારા ગામના રસ્તાઓની હાલત ખરાબ છે, અને ભાજપના નેતાઓ ફક્ત ચૂંટણી સમયે વચનો આપે છે. ગ્રામ પંચાયતને પૂરતી ગ્રાન્ટ મળતી નથી, અને વિકાસના કામો અધૂરા રહે છે. હવે અમે ભાજપના આગેવાનોને ગામમાં પ્રવેશવા દઈશું નહીં.