
કોંગ્રેસના ધારાસભ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રિટાયરમેન્ટ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે નીતિન ગડકરીને વડાપ્રધાન બનાવવાની માગ કરી છે. આરએસએસના વડા મોહન ભાગવતના 75 વર્ષે રિટાયરમેન્ટ પર આપવામાં આવેલા નિવેદનને આધાર બનાવતાં કોંગ્રેસના ધારાસભ્યે આ માગ કરી છે.
કર્ણાટક સાગર વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્ય બેલૂર ગોપાલકૃષ્ણાએ આરએસએસના વડાના નિવેદનને આવકારતાં કહ્યું છે કે, જો નરેન્દ્ર મોદી આ નિવેદન મુજબ પ્રધાનમંત્રી પદ પરથી નિવૃત્ત થાય છે, તો ગડકરીને પીએમ બનાવવા જોઈએ. તેઓ આ પદ માટે યોગ્ય પસંદગી રહેશે. તમને જણાવી દઈએ કે, મોહન ભાગવતે કહ્યું હતું કે 75 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી નેતાઓએ સત્તા છોડી દેવી જોઈએ. ભાગવતના આ નિવેદને ટાંકીને વિપક્ષે પીએમ મોદીની ઉંમર પર ટીખળ કરી હતી. નોંધનીય છે કે PM મોદી આ વર્ષે 17 સપ્ટેમ્બર, 2025ના રોજ 75 વર્ષના થવાના છે.
ગડકરીને દેશના ગરીબોની ચિંતા
બેલુર ગોપાલકૃષ્ણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, જો PM મોદી 75 વર્ષની ઉંમરે ભાગવતના નિવેદન મુજબ પદ છોડે છે, તો નીતિન ગડકરીને આગામી PM બનાવવા જોઈએ. ગડકરી વડાપ્રધાન પદ માટે યોગ્ય પસંદગી રહેશે. કારણકે, ગડકરીને દેશના ગરીબ લોકોની ચિંતા વધુ છે.
યેદિયુરપ્પાનું ઉદાહરણ આપ્યું
પત્રકારો સાથે વાત કરતાં ગોપાલકૃષ્ણે કહ્યું કે ભાજપે બીએસ યેદિયુરપ્પાને 75 વર્ષના થયા પછી રાજીનામું આપવા દબાણ કર્યું હતું. ત્યારે તેમની આંખો આંસુઓથી છલકાઈ આવી હતી. હવે ભાજપે આરએએસના વડાની ઇચ્છાનું સન્માન કરવું જોઈએ અને વડાપ્રધાન પદ માટે પણ આ જ ફોર્મ્યુલા લાગુ કરવી જોઈએ. એક બાજુ દેશમાં ગરીબ લોકોની સંખ્યા વધી રહી છે. અમીર વધુ ધનવાન બની રહ્યા છે. દેશની સંપત્તિ થોડા લોકોના હાથમાં જઈ રહી છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી નીતિન ગડકરીને વડાપ્રધાન બનાવવા જોઈએ. ભાજપ હાઇકમાન્ડે આ વિશે વિચારવું જોઈએ.