
ઇલેક્ટ્રિક કેબ સર્વિસ આપનારી કંપની BluSmartની સેવા પર રોક લગાવવામાં આવી છે. તે બાદ હવે દિલ્હીથી લઇને બેંગલુરૂ અને મુંબઇ સહિત દેશના કેટલાક શહેરોમાં લોકો તેની સેવા નહીં લઇ શકે. લોન ફ્રોડ કેસમાં સેબીના એક્શન બાદ બ્લૂસ્માર્ટે પોતાની સેવાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
કંપની તરફથી કહેવામાં આવ્યું કે બુધવાર સાંજે બુકિંગ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને ગુરૂવારે પણ આ બુકિંગ બંધ રહી હતી. તે બાદ જ્યાં એક તરફ બ્લૂસ્માર્ટ કંપનીના હજારો ડ્રાઇવરોની નોકરી પર સંકટના વાદળ મંડરાઇ રહ્યાં છે તો બીજી તરફ લોકો પણ પરેશાન છે.
‘જેન્સોલ એન્જિનિયરિંગ’ના પ્રમોટર અનમોલ સિંહ જગ્ગી અને પુનીત સિંહ જગ્ગીએ કંપનીના ફંડનો મોટો હિસ્સો પોતાની માલિકીનો હોય એ રીતે વાપરી ખાધો હોવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ કોઈ જેવા તેવાએ નહીં, સેબીએ (Securities and Exchange Board of India)એ લગાવ્યો છે. સેબીએ જાહેર કર્યું હતું કે પ્રમોટરોએ કંપનીના પૈસે વૈભવી એપાર્ટમેન્ટ ખરીદ્યું, ગોલ્ફ રમવા માટે લેટેસ્ટ સેટ ખરીદ્યા, ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવ્યા, પ્રવાસ કર્યો અને પરિવારના લોકોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા.
કંપનીના નાણાં મોજશોખમાં ઉડાવી દીધા
કંપનીના પ્રમોટરોએ નાણાં ક્યાં ખર્ચ્યા એ જાણવા માટે સેબીએ જેન્સોલ અને ગો-ઓટો બંનેના બેંક સ્ટેટમેન્ટનું વિશ્લેષણ કર્યું. એમાં જાણવા મળ્યું હતું કે ઈવીની ખરીદી માટે ગો-ઓટોમાં ટ્રાન્સફર કરાયેલા નાણાં ઘણીવાર સીધી કે આડકતરી રીતે જેન્સોલના કે પછી અનમોલ અને પુનીતની માલિકીની ખાનગી સંસ્થાઓના બેંક એકાઉન્ટમાં પાછા આવી ગયા હતા. શેરધારકોના હિતને ધ્યાનમાં લીધા વિના નાણાંનો ઉપયોગ પ્રમોટરોના વ્યક્તિગત ખર્ચ માટે કરવામાં આવ્યો હતો.
- ગુડગાંવ ખાતેના લક્ઝરીઅર રેસિડેન્શિઅલ કોમ્પ્લેક્સ ‘ધ કેમેલીઆસ’માં એક વૈભવી એપાર્ટમેન્ટ ખરીદવા માટે અનમોલ સિંહ જગ્ગીના ‘કેપબ્રિજ વેન્ચર્સ’ દ્વારા રૂપિયા 42.94 કરોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
- અશ્નીર ગ્રોવરના સ્ટાર્ટઅપ ‘થર્ડ યુનિકોર્ન’માં રૂપિયા 50 લાખનું રોકાણ કરવામાં આવ્યું હતું.
- અનમોલના પત્ની મુગ્ધા કૌર જગ્ગીના ખાતામાં રૂપિયા 2.98 કરોડ અને માતા જસ્મિન્દર કૌરના ખાતામાં રૂપિયા 6.20 કરોડ નાંખવામાં આવ્યા હતા.
- ગોલ્ફ સેટ ખરીદવા માટે રૂપિયા 26 લાખ ખર્ચવામાં આવ્યા હતા.
- મેકમાયટ્રિપ દ્વારા કરવામાં આવેલા પ્રવાસનો ખર્ચ રૂપિયા 3 લાખ હતો.
- પુનીતના પત્ની શલ્માલી કૌર જગ્ગીના ખાતામાં 1.13 કરોડ અને માતાના ખાતામાં 87.52 લાખ ડાયવર્ટ કરાયા હતા.
- કંપનીના નાણાંનો ઉપયોગ બંને ભાઈઓના ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણી માટે પણ કરવામાં આવ્યો હતો.
ઉબેર-ઓલાને મળશે ફાયદો
જોકે, એવા સંકેત મળી રહ્યાં છે તે તેનો સૌથી વધુ ફાયદો કોઇને મળશે તો તે ઉબેર છે. રોકાણકારોનું પણ માનવું છે કે આ કંપની પોતાનો દબદબો વધારશે સાથે જ મોટાભાગના યૂઝર્સે પણ તેની તરફ ઇશારો કર્યો છે. ઉબેરની એપ્લીકેશન 50 કરોડ લોકોએ ડાઉનલોડ કરીને રાખી છે અને આ મામલે 10 કરોડ ડાઉનલોડ ધરાવતી રેપિડો, ઓલા કે પછી ઈનડ્રાઇવથી ઘણી આગળ છે.
ધોની-દીપિકા સહિતના સેલેબ્સે BluSmartમાં કર્યું હતું રોકાણ
આ કંપની પોતાના ઇલેક્ટ્રિક અને ગ્રીન બિઝનેસ મોડલ માટે જાણીતી હતી જેને કારણે તેમાં મોટા મોટા દિગ્ગજોએ પૈસા લગાવ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીથી લઇને બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, બજાજ કેપિટલના સંજીવ બજાજ અને શાર્ક ટેન્ક ઇન્ડિયાના પૂર્વ જજ અશનીર ગ્રોવરના પણ પૈસા લાગેલા હતા.