
Mahisagar news: મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે બેંક ઓફ બરોડાની શાખામાં કેશિયર તરીકે ફરજ બજાવતા જયસુખ રામ બાબુલાલ સામે 42 લાખની ઉચાપતનો કેસ નોંધાયો છે. કેશિયરે મે 2019થી લઈને ફેબ્રુઆરી 2025 સુધીના સમયગાળામાં ગ્રાહકોને ખોટું એફડી સર્ટી આપી તેમજ તેમના દ્વારા ચેક થકી પૈસા ઉપાડી લઈને 42 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી.
મહીસાગર જિલ્લાના વિરપુરની બેંક ઓફ બરોડાના કેશિયરે બેંકના ગ્રાહકોને બનાવટી એફડી બનાવીને બેંકના સિક્કા મારીને ગ્રાહકોના નાણા ઉપાડી આપતો હતો. આ સિવાય બચત ખાતામાં નાણા જમા કરાવવા આવતા ગ્રાહકોની સ્લીપ પર સિક્કા મારી દેતો પરંતુ નાણા ખાતામાં જમા નહોતો કરાવતો. વિરપુર પોલીસ મથકે કેશિયર સામે બેંક ઓફ બરોડાના બેંક મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવતા તેની સામે રૂા.42 લાખની છેતરપીંડીની ફરીયાદ નોધાઇ છે.
બેંકમાં કેશિયર તરીકે નોકરી કરતો આરોપી જયસુખ રામ બાબુલાલ મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના ખીમસર તાલુકાના ભેડ ગામનો રહેવાસી છે અને હાલમાં વીરપુરની અંબિકા સોસાયટીમાં રહે છે. આરોપીએ ગ્રાહકોના પૈસા પોતાના પર્સનલ ઉપયોગ માટે વાપરી નાંખ્યા છે. પોલીસે આરોપી વિરુદ્ધ BNS કલમ 316(5), 336(2), 338, 336(3), 340(2) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.