
ગુજરાત હાઈકોર્ટેને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હોવાની માહિતી સામે આવી છે. નોંધનીય છે કે, આ પહેલાં 9 જૂને પણ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી.
પોલીસે શરૂ કર્યું સર્ચ ઓપરેશન
મળતી માહિતી મુજબ, ગુજરાત હાઈકોર્ટને મંગળવારે (24 જૂન) બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. ધમકી મળતાની સાથે તંત્ર એલર્ટ થઈ ગયું છે. બોમ્બ સ્ક્વૉડ સહિતની ટીમ હાઈકોર્ટ સંકુલમાં પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
એક જ મહિનામાં બે વાર મળી ધમકી
નોંધનીય છે કે, આ પહેલાં આ જ મહિને 9 જૂનના દિવસે હાઈકોર્ટના ઈમેલ આઇડી પર અજાણી વ્યક્તિએ ઈમેલ કરી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી હતી. ઈમેલની જાણ થતાં તાત્કાલિક પોલીસને સંપર્ક કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ હાઇકોર્ટ પહોંચી તપાસ શરુ કરી દીધી હતી. પોલીસે હાઇકોર્ટના તમામ દરવાજાઓ બંધ કરી દીધા હતા અને ડોગ-સ્ક્વૉડ દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહતી, પરંતુ પોલીસે આ ધમકીને ગંભીરતાથી લીધી હતી અને ઈમેલના મોકલનાર સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, હજુ એ તપાસમાં કંઈ સામે આવે તે પહેલાં જ એક જ મહિનામાં બીજી વાર હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે.