
Botad news: બોટાદ પંથકમાં છેલ્લા બે દિવસથી ચોમાસાના આગમન ટાણે અતિવૃષ્ટિ સર્જાઈ હતી. જેથી અનેક નદી-નાળા અને કોઝ-વે વરસાદી પાણીમાં ભરાઈ જતા તૂટી જવાની ઠેર-ઠેર ઘટનાઓ સામે આવી હતી. બોટાદના રાણપુરથી નાગનેશ જતા રસ્તામાં કોઝ-વે નાળા તૂટી જતા તંત્રની ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડીને સામે આવી છે. હજી ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થાય તે પહેલા તંત્રની પ્રી-મૉન્સૂનની કામગીરી શૂન્ય અને તેમાં પણ ભ્રષ્ટાચાર ખુલ્લો પડયો છે. જેથી ચોમાસું શરુ થાય તે પહેલા નવો કોઝ-વે બનાવવાની માંગ ઉઠી છે.
મળતી વિગતો અનુસાર, બોટાદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સમગ્ર પંથકમાં અતિવૃષ્ટિનું નિર્માણ થયું છે. જેથી બોટાદથી રાણપુર, જોબાળા, નાગનેશ સહિતના ગામડાઓને જોડતા રસ્તાઓ પર કોઝ-વે બનાવવામાં આવ્યો હતો. પરંતુ પહેલા વરસાદમાં કોઝ-વે તૂટી જતા લોકોને ભારે હાલાકી થઈ છે.
આ ઉપરાંત તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠયા છે.ત્રણ મહિના પહેલા બનાવવામાં આવેલા નાળામાં લોખંડનો ઉપયોગ નહીં થયો હોવાનો આક્ષેપ થયો છે. નાળું બેસી જતા અનેક મુસાફરો રાહદારીઓને મારે હાલાકી પડી રહી હોવાની જાણકારી સામે આવી છે. જેથી તાત્કાલિક નવો કોઝ-વે બનાવવા અથવા રીપેર કરવા માંગ કરવામાં આવી છે.