
સરકારી યોજનામાં અવાર - નવાર ભ્રષ્ટાચારના કેસો સામે આવતા હોય છે, ત્યારે ફરી એકવાર સરકારી યોજનામાં ઉચાપતનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બોટાદ જિલ્લાના લીંબોડા ગામની છે જ્યાં સરકારી યોજનાના રૂ. 1,82,000ની ઉચાપત કર્યો હોવાના આરોપ છે. આ મામલે કૃષિ નોડલ ઓફિસર, 2 તલાટી, સરપંચ સહિત 17 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર, કેટલશેડ બાગાયત અને વનીકરણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ગ્રામ વિકાસ દ્વારા 17 ઈસમો વિરુદ્ધ સરકારી યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ફરિયાદ અનુસંધાને પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતેથી તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, સ્થાનિક રહીશે 2023માં તકેદારી આયોગમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારે તપાસ બાદ ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ કરાયો હતો.