
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સને વૈશ્વિક સહકાર માટે પ્રોત્સાહક પરિબળ તરીકે કામ કરવા હાકલ કરી છે અને બહુઆયામી વિશ્વમાં એક ઉદાહણરૂપ દેશોના જૂથ બનવાની તથા ગ્લોબલ સાઉથની અપેક્ષાઓ પૂરી કરવા આહવાન કર્યુ છે. ૧૭મી બ્રિક્સ પરિષદને સંબોધતા તેમણે બહુઆયામી વિશ્વ, આર્થિક, નાણાકીય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મોરચે સહયોગ મજબૂત બનાવવાની ભલામણ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે બ્રિક્સની તાકાત તેની વૈવિધ્યતા અને બહુઆયામી વિશ્વ પ્રત્યે તેની પ્રતિબદ્ધતા છે. આપણે તે જોવું જોઈએ કે બ્રિક્સ બહુઆયામી વિશ્વમાં તેની ભૂમિકા કઈ રીતે ભજવે છે. તેના માટે આ પ્રકારની ભૂમિકા ભજવવાનો સમય આવી ગયો છે. તે પ્રેરકબળ બની રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વસ્તરે લોકો બ્રિક્સને ગંભીરતાથી લે માટે બ્રિક્સે પોતાની આંતરિક પ્રણાલિમા સુધારો કરવો પડશે.
તેમણે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે પહેલા તો આપણે આપણી આંતરિક કાર્યપ્રણાલી સુધારવી જોઈેએ, જેથી બ્રિક્સને વિશ્વફલક પર ગંભીરતાપૂર્વક લેવાય. આપણે બહુઆયામી સુધારા કરવા જોઈએ. તેના માટે બ્રિક્સની અંદરના દેશો વચ્ચે આર્થિક સહયોગ સ્થિર દરે વૃદ્ધિ પામતો રહેજો જોઈએ.
બ્રિક્સની ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક (એનડીબી)ના પ્રોજેક્ટને મંજૂરી આપતા માંગલક્ષી નિર્ણયપ્રક્રિયા, લાંબા ગાળાની નાણાકીય સ્થિરતા અને હેલ્થી ક્રેડિટ રેટિંગ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. ગ્લોબલ સાઉથની અપેક્ષાઓ પર ખરા ઉતરવાની જરૂરિયાતો પર ભાર મૂકતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે બ્રિક્સે કૃષિ અને વિજ્ઞાાનમાં સંશોધન કરવું જોઈએ. ગ્લોબલ સાઉથને આપણી પાસેથી અપેક્ષા છે. આ અપેક્ષા પૂરી કરવા આપણે ઉદાહરણરૂપ બની કામ કરવું જોઈએ.
તેમણે ભારતમાં બ્રિક્સ એગ્રીકલ્ચરલ રિસર્ચ પ્લેટફોર્મ પ્રસ્થાપિત થયું તેની વાત કરી હતી. તે એગ્રી-બાયોટેક, પ્રીસિઝન ફાર્મિંગ અને ક્લાઇમેટમાં આદાનપ્રદાનનો મહત્ત્વનો સેતુ બની શકે છે. તેમણે બ્રિક્સ સાયન્સ એન્ડ રિસર્ચ રિપોઝિટરીની પણ વાત કરી હતી, જેથી અન્ય વિકસતા દેશોને તેનો ફાયદો થાય.
ગ્લોબલ સપ્લાય ચેઇન અંગે તેમણે દુર્લભ ખનીજો અને ટેકનોલોજીના મોરચે સહયોગની વાત કરી હતી. તેની સાથે તેનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા સામે તેમણે ચેતવણી ઉચ્ચારી હતી .તેમણે જણાવ્યું હતું કે દરેક દેશ તેના સંસાધનોનો તેના હિતો માટે ઉપયોગ કરે, શસ્ત્ર તરીકે ઉપયોગ ન કરે. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગવર્નન્સ પર સામૂહિક ધોરણે પગલાં લેવા જણાવ્યું હતું. તેની સાથે તેમણે સસ્ટેનેબિલિટી પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારત પ્રકૃતિને પૂજે છે, અહીં તેને નૈતિક ફરજ માનવામાં આવે છે.