
Share Market: એસ આલ્ફો ટેકએ 3 જુલાઈના રોજ બીએસઇ એસએમઇ રૂ. 81ના ભાવે ડેબ્યૂ કર્યું, જે રૂ. 69ના ઇશ્યૂ ભાવ કરતાં 17% વધુ પ્રીમિયમ હતું. જોકે, લિસ્ટિંગ ગ્રે માર્કેટના અંદાજ કરતાં ઓછું રહ્યું, જ્યાં શેર રૂ. 99-100 સુધી પહોંચવાની અપેક્ષા હતી.
ટેકનોલૉજી આધારિત મલ્ટી-સર્વિસીસ કંપની એસ આલ્ફા ટેકનો આઇપીઓ 3 જુલાઈના રોજ બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર 81 રૂપિયા પ્રતિ શેરના ભાવે લિસ્ટેડ થયો હતો. આ એસએમઇ આઇપીઓના 69 રૂપિયા પ્રતિ શેરના ભાવ કરતાં 17 ટકાથી વધુ પ્રીમિયમ દર્શાવે છે.
લિસ્ટિંગ પહેલા, ગ્રે-માર્કેટમાં આ સ્ટોક વિશે રોકાણકારોમાં ભારે ઉત્સાહ હતો, જોકે લિસ્ટિંગ ગ્રે-માર્કેટના અંદાજ કરતા ઓછું છે. લિસ્ટિંગ પહેલા, કંપનીના શેર ગ્રે-માર્કેટમાં 43 ટકાના પ્રીમિયમ પર 99થી 100 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા.
IPO વિશે
રૂ. 32.22 કરોડના કુલ આઇપીઓમાંથી, રૂ. 24.48 કરોડના મૂલ્યના 35.48 લાખ શેરનો નવો ઈશ્યૂ આવ્યો હતો. ઉપરાંત, ઓફર ફોર સેલ દ્વારા 11.22 લાખ શેર વેચાયા હતા, જેનું મૂલ્ય રૂ. 7.74 કરોડ હતું.
કંપની પ્રોફાઇલ અને નાણાકીય કામગીરી
વર્ષ-2012માં સ્થાપિત એસ આલ્ફાટેક એક ટેકનોલૉજી આધારિત કંપની છે. જે કાનૂની, એકાઉન્ટિંગ, ઓડિટિંગ, ટેક્સ કન્સલ્ટન્સી, માર્કેટ રિસર્ચ અને ટ્રેડિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સેવાઓ પૂરી પાડે છે. કંપની ક્લાઉડ-આધારિત B2B ટ્રેડિંગ પ્લેટફોર્મ, સંસ્થાકીય ટ્રેડિંગ ટૂલ્સ અને માલિકીની ટ્રેડિંગ સિસ્ટમ્સ જેવી સુવિધાઓ પણ પૂરી પાડે છે.
કંપની પાસે ફક્ત 9 પૂર્ણ-સમયના કર્મચારીઓ હોવા છતાં, તેનું નાણાકીય પ્રદર્શન આશ્ચર્યજનક છે. નાણાકીય વર્ષ 24 માં, કંપનીએ 15.35 કરોડ રૂપિયાની આવક પર 10.65 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે 70%થી વધુ માર્જિન દર્શાવે છે.
એસ આલ્ફા ટેક કંપની આ આઇપીઓમાંથી કુલ ચોખ્ખી આવકનો ઉપયોગ મુખ્યત્વે બે મુખ્ય હેતુઓ માટે કરશે. પહેલો હેતુ મૂડી ખર્ચનો છે, જે હેઠળ કંપની તેના વ્યવસાયના વિસ્તરણ, ટેકનોલોજીકલ અપગ્રેડેશન અને માળખાગત વિકાસ પર ખર્ચ કરશે. બીજો હેતુ કોઈપણ સંભવિત સંપાદન અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ભંડોળનો ઉપયોગ કરવાનો છે.
લીડ મેનેજર્સ અને માર્કેટ મેકર્સ
આ ઈશ્યૂના મુખ્ય મેનેજર નાર્નોલિયા ફાયનાન્શિયલ સર્વિસિસ હતા જ્યારે એસએસ કોર્પોરેટ સિક્યોરિટીઝને માર્કેટ મેકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.