
કામોસમી વરસાદ અને ઝડપી ફૂંકાતા પવનને પગલે રાજ્યમાં ઠેર ઠેર વૃક્ષો અને મકાન ધરાશાયી થયા હતા. જેમાં વડોદરાના નરસિંહજીની પોળમાં 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી થતાં નાસભાગ મચી જવા પામી હતી. મકાન તૂટી પડતાં તેની નીચે અનેક વાહનો દબાયા હતા.
હાલ ગુજરાતમાં ભરઉનાળે ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે સંસ્કારીનગરી વડોદરાના વોર્ડ નંબર 14ની નરસિંહજી પોળમાં વરસાદી માહોલમાં એક 100 વર્ષ જૂનું મકાન અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી હતી. મકાન ધરાશાયી થતાં જ અનેક વાહનો મકાન નીચે દબાઈ જતાં નુકશાન થયું હતું. ઘટનાને પગલે પોળમાં લોકટોળા ઉમટ્યા હતા. સ્થાનિક કોર્પોરેટરો હરેશ જિંગર અને જેલમબેન ચોક્સી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થાનિક તંત્રએ બેરીકેડ ગોઠવીને રસ્તો બંધ કર્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નહિ થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.