
સુરતમાં જર્જરિત ઈમારતો ધરાશાયી થવાનું યથાવત છે. ત્યારે ચોમાસામાં વધુ એક મકાન જમીનદોસ્ત થયું છે. કોટ વિસ્તારમાં આવેલું ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનનો ઉપરનો ભાગ સવારના સવા દસ વાગ્યા આસપાસ ધરાશાયી થયો હતો. જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે કાટમાળ નીચેથી એક વ્યક્તિને બહાર કાઢ્યો હતો. જ્યારે ઘરમાં હાજર બે મહિલા સહિતના કુલ 3 વ્યક્તિનો બચાવ થયો હતો.
40 વર્ષીય પુરુષનું રેસ્ક્યુ
કોટ વિસ્તારના ગોલવાડ ખાતે પાંચભીત શેરીમાં ગ્રાઉન્ડ પ્લાસ બે માળનું મકાન જમીનદોસ્ત થઈ ગયું હતું. જેમાં રેહતા ચાર રહેવાસીઓનાં જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે, ગ્રાઉન્ડ સહિત બે માળનું મકાન ધરાશાયી થવાની ઘટના સમગ્ર પંથકમાં વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં લોકોનાં ટોળા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બીજી તરફ ઘટના અંગે જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘસી ગયો હતો.મકાનનાં કાટમાળમાં ફસાયેલા 40 વર્ષીય વસીમ અબ્દુલ રઝાક શેખનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું.
અગાઉ અપાયેલી નોટિસ
આ ઘટનાને પગલે મહાનગર પાલિકાનાં સેન્ટ્રલ ઝોનની ટીમ પણ ઘટના સ્થળે ઘસી ગઈ હતી અને હાલના તબક્કે જમીનદોસ્ત થઈ ચુકેલા મકાનનાં કાટમાળને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સેન્ટ્રલ ઝોન દ્વારા જર્જરિત થઈ ચુકેલા આ મકાનનાં માલિકને ત્રણ - ત્રણ વખત નોટિસ પાઠવવા છતાં પણ મકાન માલિક દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.