
સુરતની પાંડેસરા પોલીસે રહેણાંક વિસ્તારમાં ચાલતા કુટણખાના પર દરોડો કર્યો હતો. પોલીસે બાતમીના આધારે પાંડેસરાના વડોદ ગામના ગણેશ નગર નજીક આવેલા આવાસના બિલ્ડિંગમાં દરોડો કરતા બિલ્ડિંગમાં ચાલતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો હતો. પોલીસે દેહ વ્યાપારનો ધંધો કરતા બે સંચાલક અને શરીર સુખ માણવા આવેલા છ ઈસમોની ધરપકડ કરી દેહ વ્યાપાર માટે મહિલાઓને લાવનાર ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.
બાતમીની આધારે રેડ
સુરત શહેરમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપાર પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે પોલીસથી બચવા માટે કેટલાક ઈસમો રહેણાંક વિસ્તારમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવતા હોવાનું સામે આવ્યું છે. સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા વડોદ ગામ ગણેશ નગર પાસે આવેલ આવાસમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી.
વિક્રમ વોન્ટેડ
પાંડેસરા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ દ્વારા વડોદ ગામ ગણેશ નગર નજીક આવેલા આવાસના બિલ્ડીંગ નંબર 75 માં રૂમ નંબર 11 12 13માં દરોડો કર્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે આરોપી સંતોષકુમાર પાલ, મનું સિંગની ધરપકડ કરી છે. આ ઉપરાંત રાજ માલીયા, મહેશ જેના, બાબા માલીયા અને વિક્રમ નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ઈસમો મહિલાઓને દેહ વ્યાપાર માટે લાવતા હતા અને ત્યારબાદ ગ્રાહકોને આ જગ્યા પર લાવી દેહ વ્યાપારનો ધંધો આર્થિક લાભ માટે ચલાવતા હતા. તો પોલીસ દ્વારા રેડ દરમિયાન કુટણખાનું ચલાવતા મનુ સિંગ અને સંતોષકુમાર પાલ ઉપરાંત શરીર સુખ માણવા આવેલા છ ઈસમોને પણ ઝડપી પાડ્યા હતા. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે જે સંચાલકો ઝડપાયા છે તે શરીર સુખ માણવા આવતા ગ્રાહકો પાસેથી જે પૈસા લેતા હતા તેમાંથી અડધા રૂપિયા ભોગ બનનાર મહિલાઓને આપતા હતા.