
શ્રીલંકાએ ગ્રુપની કંપની - અદાણી ગ્રીન એનર્જી સાથે 440 મિલિયન ડોલરનો વીજ ખરીદીનો સોદો રદ કર્યો છે. આ પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. વીજ ખરીદીનો સોદો રદ થવાના સમાચાર વચ્ચે શુક્રવારે અદાણી ગ્રુપની મોટાભાગની લિસ્ટેડ કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો.
શ્રીલંકાના અગ્રણી બિઝનેસ ન્યૂઝ પેપરના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળે અદાણી જૂથને મોટો ઝટકો આપ્યો છે. મંત્રીમંડળે મન્નાર અને પૂનરીનમાં પવન ઉર્જા પ્લાન્ટના બાંધકામ માટેનો કોન્ટ્રાક્ટ અદાણી ગ્રીન એનર્જી એસએલ લિમિટેડને આપવાના નિર્ણયને પલટાવી દીધો છે. આ સાથે વીજ ખરીદી કરાર પણ રદ કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, વર્તમાન રાષ્ટ્રપતિએ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન શ્રીલંકામાં પવન ઉર્જા વિકસાવવા માટે સોદો રદ કરવા અને આંતરરાષ્ટ્રીય ટેન્ડરો આમંત્રિત કરવાનું વચન આપ્યું હતું. આ વચન પર કાર્ય કરતા મંત્રીમંડળે મે 2024માં લેવાયેલા અગાઉના મંત્રીમંડળના નિર્ણયને રદ કરવાનો નિર્ણય લીધો છે.
અમેરિકામાં આરોપોની અસર
સૂત્રો દ્વારા ગૌતમ અદાણી સહિત જૂથના ટોચના અધિકારીઓ સામે અમેરિકામાં ભ્રષ્ટાચારના આરોપોએ શ્રીલંકાની નવી સરકારને પગલાં લેવા માટે પ્રેરિત કરી છે. અમેરિકામાં આરોપો બાદ, શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે અદાણીના સ્થાનિક પ્રોજેક્ટ્સની તપાસ શરૂ કરી હતી.
અદાણી ગ્રીન એનર્જીનો શેર
અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે અદાણી ગ્રીન એનર્જીના શેર દિવસના ઉચ્ચતમ સ્તરથી લગભગ 6% ઘટીને રૂપિયા 1008ના નીચલા સ્તરે પહોંચી ગયા. જણાવી દઈએ કે શેરનો અગાઉનો બંધ ભાવ રૂ. ૧૦૨૧.૪૫ હતો અને શુક્રવારે શેરનો ભાવ રૂ. ૧૦૬૫.૪૫ ના સ્તરે પહોંચ્યો હતો. જોકે શેરમાં વેચવાલી વધતાં ભાવ ઘટીને 1007.65ના નીચા સ્તરે ગબડી ગયો.