Home / Business : Direct impact of Israel v/s Iran war on India

Business: ઇઝરાયલ v/s ઇરાન યુદ્ધમાં ભારતને સીધી અસર

Business: ઇઝરાયલ v/s ઇરાન યુદ્ધમાં ભારતને સીધી અસર

- કોર્પોરેટ પ્લસ 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- ભારત આ યુધ્ધમાં નરોવા-કુંજરોવાની ભૂમિકામાં ભલે રહે પરંતુ આ દેશો વચ્ચેના યુધ્ધની અસર ભારત પર પડયા વગર રહેવાની નથી

- ઇઝરાયલ-ઇરાન વચ્ચેના યુદ્ધની અસર વિશ્વભરમાં પડવાની છે. જો ઇરાન-ઇઝરાયલ વચ્ચે કોઇ સમાધાન નહીં થાય તો બહુ મોટા પાયે થનારા માનવ સંહારની સ્થિતિ અટકાવી શકાશે નહીં.

- જેમ રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ભારતના કોઇ પણ ક્ષેત્રને સીધી કે આડકતરી અસર પહોંચાડી શક્યું નથી એમ ઇઝરાયલ-ઇરાનના યુદ્ધ વિશે કહી શકાય એમ નથી.

- લગ્નો અને મોટા રાજકીય કાર્યક્રમોમાં જમવાના સ્થળ પર ઇન્ડિયન બાસમતીના લેબલ વાળા વિશેષ ટેબલો જોવા મળે છે

ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનું યુધ્ધ લાંબુ ચાલશે કેમકે અમેરિકા ઇઝરાયલને પંદરેક દિવસ માટે સાથ નથી આપવાનું. જેમ રશિયા-યુક્રેન વચ્ચેનું યુધ્ધ ભારતના કોઇ પણ ક્ષેત્રને સીધી કે આડકતરી અસર પહોંચાડી શક્યું નથી. એમ ઇઝરાયલ-ઇરાનના યુધ્ધ વિશે કહી શકાય એમ નથી. રેટીંગ એજંસી ક્રીસીલ અને ભારતની કંપનીઆએે ભારતની સરકારને ચેતવી છે કે ઇઝરાયલ-ઇરાન વચ્ચેનું યુધ્ધ જેટલું લાંબું ચાલશે એટલો સમય આપણે ઉભડક જીવવાનું છે. કેમકે ભારત અનેક મુદ્દે ઇઝરાયલ અને ઇરાન સાથે જોડાયેલું છે. ભારત આ યુધ્ધમાં નરોવા-કુંજરોવાની ભૂમિકા માં ભલે રહે પરંતુ આ દેશો વચ્ચેના યુધ્ધની અસર ભારત પર પડયા વગર રહેવાની નથી.

ઇઝરાયલ-ઇરાન વચ્ચેના યુધ્ધની અસર વિશ્વભરમાં પડવાની છે. જો ઇરાન-ઇઝરાયલ વચ્ચે કોઇ સમાધાન નહીં થાય તો બહુ મોટા પાયે થનારા માનવ સંહારની સ્થિતિ અટકાવી શકાશે નહીં. અમેરિકાએ બળતું પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ છેલ્લે તેમના સલાહકારોએ ડોનાલ્ડ ટ્રમ્પને સમજાવીને ઇઝરાયલ-ઇરાન યુધ્ધથી પંદર દિવસ દુર રહેવાની જાહેરાત કરી નાખી હતી. 

ઇઝરાયલ-ઇરાન વચ્ચેના યુધ્ધમાં ભલે અમેરિકા છેલ્લે ખસી ગયું છે પરંતુ આ બંને બળીયા લાંબા સમયથી યુધ્ધ કરવા તલપાપડ હતા અને હાલમાં બંને કચકચાવીને એક બીજા પર બોમ્બબાર્ડીંગ કરી રહ્યા છે. જો અમેરિકા યુધ્ધમાં ઇઝરાયલને ટેકો આપત તો ચીન ઇરાન સાથે રહેવા અને રશિયા પણ ઇરાનને ટેકો આપવા તૈયાર બેઠું હતું. 

ભારતના રાજકીય નિષ્ણાતો માને છે કે ઇઝરાયલ અને ઇરાનમાંથી કોઇ એક ઝૂકવા તૈયાર નહીં થાય તો યુધ્ધ અખાતી દેશોના યુધ્ધમાં પલટાઇ જશે જે વૈશ્વિક વેપારને ધક્કો પહોંચાડનાર બની જશે.

ભારતને સૌથી મોટો ડર ભારતમાં મોંધવારી બેકાબુ ના બને તે બાબતનો છે. મોંધવારી વધવા પાછળનું મોટું કારણ પેટ્રોલ ડિઝલના ભાવોમાં વધારો હોય છે. ઇઝરાયલ ઇરાનના અણુ બોંબ બનાવવાના સ્ટોરેજ શોધે છે અને તેનો નાશ કરી રહ્યું છે. હજુ ઇઝરાયલે ઇરાનના તેલના કૂવાને ટાર્ગેટ નથી કર્યા તે ભારત માટે બહુ સારી વાત કહી શકાય. ક્રૂડ ઓઇલના મુદ્દે ભારત  સંપૂર્ણ પણે અખાતી દેશો પર ખાસ કરીને ઇરાન પર આધારીત છે. ભારત રશિયા જેવા અન્ય દેશો પાસેથી પણ ઓઇલ ખરીદે છે પરંતુ ઇરાનનું ઓઇલનું બીલ ભારત માટે સૌથી મોટું આવે છે. ભારતે ૮૦ ટકા ક્રૂડ આયાત કરવું પડે છે.

જો ઇઝરાયલ -ઇરાન વચ્ચેનું યુધ્ધ કાબુ બહાર જશે તો કેટલાક મુદ્દે ભારતે બહુ મોટો ફટકો ખાવો પડશે. જો ઇઝરાયલ ઇરાનના તેલના કૂવાઓને ટાર્ગેટ કરશે તો ભારતને મળતો ઓઇલનો સપ્લાય ખોરવાશે અને ભારત સરકારને પેટ્રોલ ડિઝલના ભાવોમાં ના છૂટકે વધારો કરવો પડશે. ઇઝરાયલ-ઇરાન વચ્ચેના યુધ્ધની શરૂઆતમાં યુધ્ધ નિષ્ણાતોએ એવી શંકા વ્યક્ત કરી હતી કે ક્રૂડ ઓઇલનો ભાવ બેરલે ૧૫૦ ડોલર પર પહોંચી શકે છે. 

નીચે દર્શાવેલા કેટલા મુદ્દે ભારતે ચેતતા રહેવાની જરૂર છે.

....બાસમતી ચોખાની નિકાસ

....પ્રેટોલ-ડિઝલના ભાવ

....વિમાનના ભાડા

 .... ડાયમન્ડ ઉદ્યોગ

..... ખાતરના ઉત્પાદનમાં ઉપયોગી મટીરીયલનો અભાવ

......ટાયર અને પેઇન્ટનો ઉત્પાદન ખર્ચ વધશે

ભારતના બાસમતી ચોખા ઇરાન અને ઇઝરાયલની દાઢે વળગેલા છે. ૨૦૨૫માં અત્યાર સુધી નિકાસ કરાયેલા બાસમતી પૈકી ૧૪ ટકા તેા ઇરાન અને ઇઝરાયલના લોકો ઝાપટી ગયા છે. અન્ય દેશોમાં પણ બાસમતીની સોડમ પ્રસરેલી છે પરંતુ ઇરાનના લોકો બાસમતીના આગ્રહી છે. ઇરાન -ઇઝરાયલના નામાંકીત હોટલોના મેનૂમાં ઇન્ડિયન બાસમતી પુલાવ એમ લખેલું હોય છે. જેનો ઓર્ડર સૌથી વધુ મળતો હોય છે.

લગ્નો અને મોટા રાજકીય કાર્યક્રમોમાં જમવાના સ્થળ પર ઇન્ડિયન બાસમતીના લેબલ વાળા વિશેષ ટેબલો જોવા મળે છે. જો ઇઝરાયલ-ઇરાન યુધ્ધ લાંબુ ચાલશે અને તેમાં અખાતી દેશો પણ જોડાશે તો બાસમતીના નિકાસનો ઓર્ડર અટવાશે અને નિકાસ કરનારાઓના પેમેન્ટ પણ અટવાઇ શકે છે.

અન્ય અખાતી દેશોમાં પણ ભારતના બાસમતીની નિકાસ થાય છે. જો આ દેશો પણ યુધ્ધમાં જોડાશે તો અખાતી દેશોમાં થતી બાસમતીના નિકાસ પર બ્રેક વાગશે. નિકાસ અટવાશે તે નિકાસકારો પર ફટકા સમાન છે.

જ્યારે ઇઝરાયલ -હમાસ વોર ચાલતી હતી ત્યારે પણ ભારતને મળતા ંક્રૂડ ઓઇલ સપ્લાયની ચિંતા વ્યક્ત કરાઇ હતી, હવે ઇઝરાયલ ઇરાન સામે જંગે ચઢ્યું છે. ભારતમાં ઓઇલના ભાવ જે ૬૪-૬૫ ડોલર પર સ્થિર રહેતા હતા તેમાં ૧૦ ડોલરનો વધારો થયો છે. જો યુધ્ધમાં અખાતી દેશો જોડાશે તો ઓઇલના સપ્લાયના ધાંધીયા થવાના છે. અખાતી યુધ્ધ ભારતમાં પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસના ભાવોને ભડકાવશે. 

ક્રૂડ ઓઇલ સાથે સંકળાયેલા નિષ્ણાતો કહે છે કે માંડ એક મહિના પહેલાં ક્રૂડના ભાવ તૂટીને ૬૦ ડોલર પર પહોંચશે એવી સંભાવના વ્યક્ત કરાઇ હતી. ત્યારે ક્રૂડના ભાવ ૬૫ ડોલર પર સ્થિર થયા હતા પરંતુ ઇઝરાયલ-ઇરાન વોરના કારણે ભાવમાં ભડકો થયો હતો. શક્યતા તો ક્રૂડના ભાવ ૧૫૦ ડોલર વટાવે એવી છે પરંતુ તે હાલમાં શક્ય નથી.

ઇઝરાયલ ઇરાનની અણુ સિસ્ટમ તોડવામાં વ્યસ્ત છે. જો તે ક્રૂડ ઓઇલના કૂવા પર ત્રાટકો તો વિશ્વભરમાં ઓઇલનો સપ્લાય અટકી જાય એમ છે.

જેમ બાસમતીની નિકાસને બ્રેક વાગી શકે છે એમ ઇઝરાયલથી ભારત આવતા ખાતર પર પણ બ્રેક વાગી શકે છે. કૃષિ ક્ષેત્રે ઇઝરાયલે કરેલી ક્રાંતિ વિશ્વએ અનુભવી છે. ખેતીમાં બહુ ઉપયોગી એવું ખાતર  મ્યુરીટેટ ઓફ પોટાશ (સ્ર્ઁ) ઇઝરાયલ બનાવે છે. વિશ્વભરમાં આ એમઓપીની ડિમાન્ડ છે. ભારત તેની એમઓપીની જરૂરીયાતના ૭ ટકા ઇઝરાયલથી મંગાવે છે. ભારત પાસે અન્ય દેશો પાસેથી એમઓપી મંગાવવાનો વિકલ્પ છે પરંતુ તે ખેતી માટે જોખમી બની શકે છે. એમઓપીને ઉપયોગ ખેતીમાં સીધો પણ થાય છે તેમજ અન્ય ખાતરમાં મિક્સ કરીને પણ કરાય છે. જે લોકો કૃષિ સાથે જોડાયેલા છે તે લોકો ઇઝરાયલની કૃષિ ટેકનોનોજીનો આધાર બનાવીને ઉત્પાદન વધારી રહ્યા છે તે દરેક ઇઝરાયલ -ઇરાન વોરના કારણે મૂંઝવણમાં મુકાઇ જવાના છે.

હીરા-ઝવેરાતના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો ઇઝરાયલને ડાયમન્ડના ટ્રેડીંગ હબ તરીકે ઓળખે છે. કટ અને પોલીશ્ડ એમ બંને ડાયમન્ડમાં ઇઝરાયલના ભાવ ફાઇનલ ગણવામાં આવે છે. ગયા નાણા વર્ષમાં ભારતના ડાયમન્ડ નિકાસકારોએ બેલ્જીયમ અને યુએઇનો માર્ગ પકડયો હતો તેના કારણે ઇઝરાયલ સાથે ઓછો વેપાર થયો હતો પરંતુ અનુભવી વેપારીઓ ઇઝરાયલના ડાયમન્ડ ટ્રેડ પર ભરોસો રાખીને બેઠા છે. યુધ્ધના કારણે તેમને ઇઝરાયલનો વિકલ્પ શોેધવાની ફરજ પડશે તે નક્કી છે. ડાયમન્ડના ખરીદનારા અમેરિકા અને યુરોપના છે આ બંને દેશો ઇઝરાયલના ટ્રેડીંગ પર ભરોસો મુકી રહ્યા છે. ઇઝરાયલ-ઇરાન વોેરના કારણે મહત્વના એક મુદ્દા પર ધ્યાન આપવું જરૂરી છે. આ વોરના કારણે ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે . એમ વિમાનના ફ્યૂઅલના ભાવો પણ ૩૫થી ૪૦ ટકા વધી શકે છે. સાથે સાથે  મહત્વનું એ છે કે યુધ્ધના કારણે કેટલીક એરસ્પેસ બંધ છે જેના કારણે વિમાનોને વધુ અંતર કાપવું પડશે જેથી તેનું બળતણ વધુ બળશે જેની સીધી અસર વિમાન ભાડા પર પડશે. કોઇ વિમાન કંપની ખોટ ખાવા તૈયાર નથી હોતી. તે ભાવ વધારાની અસરમાંથી મુક્ત રહેવા પ્રવાસીઓની ટીકીટના દર વધારી દેતા નહીં ખચકાય.

પેઇન્ટ અને ટાયર બનાવતી કંપનીઓની ચિંતા એટલા માટે વધી છે કે તેમના ઉત્પાદનની કિંમતમાં ૩૦ ટકા જેટલો ફાળો ક્રૂડ ઓઇલની કિંમત પર આધારીત હોય છે. ક્રૂડ ઓઇલ આધારીત ઉદ્યોગોમાં પેઇન્ટ અને ટાયર સેક્ટરનો સમાવશ થાય છે. ટાયર સેક્ટરમાં તો ક્રૂડનો ઉપયોગ પચાસ ટકા જેટલો થાય છે.

ભારત ભલે ઇઝરાયલ-ઇરાન યુધ્ધમાં સીધું જોડાયું નથી પરંતુ યુધ્ધની સીધી અને આડકતરી અસરનો તો ભોગ બની શકે છે.

- ગણેશ દત્તા

Related News

Icon