
અમેરિકામાં પ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા બાદ તેના પગલે ટેસ્લા અને સ્ટારલીંક જેવા પ્રોજક્ટોને ભારતમાં આસાનીથી પ્રવેશ મળી શકે તેવી શક્યતાથી ભારતનું ટેલિકોમ સર્કલ ચિંતીત છે. વિશ્વના અબજોપતિ એલોન મસ્ક અને એશિયાના સૌથી વધુ પૈસાદાર મુકેશ અંબાણી વચ્ચે ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજીના મુદ્દે શરૂ થયેલી કોલ્ડ વોરને ટ્રમ્પની જીતના કારણે વધુ ભભુકવાનો મોકો મળશે.
રીલાયન્સના મુકેશ અંબાણી સ્પેકટ્રમની ફાળવણી પરંપરાગત રીતે કરાતી હરાજી મારફતે કરવાના આગ્રહી હતા જ્યારે એલોન મસ્કે આવી હરાજીની સિસ્ટમનો વિરોધ કરીને ભારત સરકારને કહ્યું હતું કે હરાજીની સિસ્ટમ નહીં પણ જાહેરમાં અરજી મંગાવીને દરેકને સ્પેકટ્રમ મેળવવાની તક આપવી જોઇએ.
ભારત સરકારે મસ્કના મતને આવકાર્યો
મુકેશ અંબાણીના આશ્ચર્ય વચ્ચે ભારત સરકારે એલોન મસ્કના મતને આવકાર્યો હતો અને હરાજીના સિસ્ટમની જગ્યાએ મેનેજરીયલ સિસ્ટમ અમલી બનાવવાનું નક્કી કર્યું હતું. ભારતમાં સ્પેકટ્રમ ફાળવણીની સ્પર્ધામાં એલોન મસ્કની કંપની સ્ટારલીંક અને એમેઝોનનો કુપીયર પ્રોજક્ટ છે. ભારત સરકાર માને છે કે જેટલી સ્પર્ધા હશે એટલી મોનોપોલી તૂટશે અને ગ્રાહકોને વધુ લાભ મળી શકે છે.
ભારતનું ટેલિકોમ ક્ષેત્ર મુકેશ અંબાણી અને સુનિલ મિત્તલ જેવા મોટા ખેલાડીઓની મુઠ્ઠીમાં હોય એમ દેખાઇ આવતું હતું. સ્પેક્ટ્રમની ફાળવણીની વાત આવે એેટલે હરાજીમાં જે સૌથી વધુ રકમની બોલી બોલે તેના ભાગે બિઝનેસ આવતો હતો. એશિયાના નંબર વન અબજોપતિ બોલી બોલે પછી કોન્ટ્રાક્ટ સીધો તેમની ઝોળીમાં જતો રહેતો હતો.
ભારતે જ્યારે સેટેલાઇટ બ્રોડબેન્ડની ફાળવણી માટે જાહેર હરાજીના બદલે વૈશ્વિક સ્તરે ચાલતી ફાળવણીની સિસ્ટમને અનુસરવાનો નિર્ણય કર્યો ત્યારે મસ્કે તેને X (ટ્વિટર) પર એક શબ્દ પ્રોમીસીંગ કહીને આવકાર્યો હતો. જ્યોતિરાદિત્ય સિંધિયાના નામનો ઉલ્લેખ કરીને લીંક પર લખાયું હતું કે ટોપની ટેલિકોમ કંપની સાથે સંકળાયેલા મુકેશ અંબાણી અને સુનિલ મિત્તલની સ્પેકટ્રમની હરાજીનું સૂચન બાજુ પર રાખીને મેનેજમેન્ટ રીતે અર્થાત દરેકને ચાન્સ મળે તે રીતે ફાળવણી કરવાનો નિર્ણય લેવાયો છે.સરકારના આ નિર્ણયથી મસ્કના સ્ટારલીંકના ભારત પ્રવેશનો માર્ગ મોકળો થઇ ગયો છે. તેના કારણે સ્પર્ધા વધશે પરંતુ ભારતની કંપનીઓની મોનોપોલીનો અંત આવી જશે.
ભારતમાં ડીજીટલનો વ્યાપ વધારવા સેટેલાઇટ બ્રોડબેન્ડનું કામ જીયો અને એરટેલ વચ્ચે ફાળવાય તે નિશ્ચિત મનાતું હતું. પરંતુ મસ્કની સ્ટારલીંકે તેમની બાજી બગાડી નાખી હતી. એક તરફ સરકાર વધુ કંપનીઓ વચ્ચે સ્પેકટ્રમ મેળવવાની સ્પર્ધા થાય તેમ ઇચ્છતી હતી તો બીજી તરફ મસ્કે અચાનક જ હરાજી સિસ્ટમની ટીકા કરી દીધી હતી.ભારતમાં એક આંગળીના વેઠા ગણાય જેટલી કંપનીઓ પણ ટેલિકોમ ક્ષેત્રે નથી ત્યારે મોટા માથાઓની સિન્ડીકેટ ફાવી જતી હતી.હરાજીમાં જંગી રકમ બોલાતી હોય ત્યારે નાની કંપની કે સ્ટાર્ટઅપ સાહસિકોના ભાગે તો દુરબેઠા રીલાયન્સની વાહ વાહી કરવા સિવાય કોઇ છૂટકો નહોતો રહેતો.
ગામડાઓમાં સ્ટારલીંક ઉપયોગી બની શકે
ગામડાઓમાં અને નાના ટાઉન લેવલે જ્યાં ઇન્ટરનેટ નથી પહોંચ્યું કે જ્યાં તેની સ્પીડ ઓછી છે ત્યાં સ્ટારલીંક બહુ ઉપયોગી બની શકે છે.હવે જ્યારે ટિલિકોમ ક્ષેત્રની વૈશ્વિક કંપનીઓ સ્ટારલીંક અને કુપીયર ભારતના બજારોમાં પોતાનું નેટવર્ક ઉભું કરવા માંગે છે ત્યારે ભારતની ટેલિકોમ કંપનીઓ પણ ભારતના ગ્રાહકોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવવા માંગે છે. ભારતમાં બ્રોડ બેન્ડ સર્વિસ માટે અનેક તકો એલોન મસ્ક જોઇ રહ્યા છે.
ભારતની કંપનીઓ રીલાયન્સ જીયો, ભારતી એરટેલ અને વોડાફોન આઇડયા વગેરે વિદેશની કંપનીઓ માટે ચેક્કસ મર્યાદા નક્કી કરવા સરકારને અનુરોધ કરી રહી છે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસીયેશન ઓફ ઇન્ડિયા સાથે દેશની ટોચની ટેલિકોમ કંપનીઓ જોડાયેલી છે. આ એસોસીયેશન ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયાને વિદેશની કંપનીઓ પાસેથી ગ્રાહકોના સંતોષની ખાત્રી મેળવવા માટે કરાર કરવા માટે અનુરોધ કરશે.
દેશની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ મસ્કને કારણે ચિંતિંત
દેશની ત્રણ મોટી ટેલિકોમ કંપની રીલાયન્સ જીયો, ભારતીય એરટેલ અને વોડાફોન પણ ટ્રાઇને અલગ રજૂઆત કરવાના છે. હવે એવું કહેવામાં કશું ખોટું નથી કે સ્પેકટ્રમની બાજી મુકેશ અંબાણીના હાથમાંથી સરકી ગઇ છે. હરાજી સિસ્ટમમાં પૈસાનું જોર કામ કરતું હતું જ્યારે નવી મેનેજરીયલ સિસ્ટમમાં દરેકને પોતાના ભાવ અને ટેકનોલોજી દર્શાવવાની તક મળશે. જ્યારે વિદેશની કંપનીઓ ખાસ કરીને સ્ટારલીંક અને કુપીયર જેવી કંપનીઓ પોતાની આધુનિક ટેકનોલોજી સાથેનું ટેન્ડર મુકશે ત્યારે સરકારને ખ્યાલ આવશે કે અત્યાર સુધી આપણને બે-ત્રણ ટેલિકોમ કંપનીઓ રમાડતી હતી અને પોતાના ફાળે જંગી નફો રળી લેતી હતી.
ટેસ્લા કંપનીના વખાણ કરનારા પણ છે. એક અમેરિકી બિઝનેસમેને લખ્યું છે કે એલોન મસ્ક ભારતમાં ચેરીટી કરવા નથી આવવાના તે બિઝનેસ કરવા આવશે તે તો ઠીક પણ તે ભારતના બિઝનેસમેનોની ટેલિકોમ ક્ષેત્રમાં મોનોપોલી તોડી નાખશે. મસ્કની કંપનીઓ નવી સ્કીમો મુકશે અને ગ્રાહકો પોતાની કંપની તરફ ખેંચાય તેવા પ્લાન મુકશે.કહે છે કે જેમ માઇક્રોસોફ્ટ, એપલ, ગુગલ કંપનીઓની મોનોપોલી છે એમ ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે પણ ત્રણ કંપનીઓની મોનોપોલી છે જેમાં રીલાયન્સ જીયો, ભારતી એરટેલ અને વોડાફોનનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ટ્રમ્પ અમેરિકી પ્રમુખ બનવાથી ભારતમાં વધશે મોંઘવારી, રૂપિયો નબળો પડશે અને રોજગારી ઘટશે
ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બનતા મસ્કની તાકાત વધી
અમેરિકામાં પ્રમુખ પદે ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી એલોન મસ્કની બિઝનેસ ક્ષેત્રે છવાઇ જવાની તાકાત વધી ગઇ છે. ભારતમાં સ્ટારલીંકનો પ્રાજેક્ટ ઉભો કરવા મસ્ક ઘણા સમયથી પ્રયાસ કરતા હતા. ભારતમાં લોકસભાની ચૂંટણી અગાઉ મસ્ક ભારતના વડાપ્રધાન મોદીને મળવાના હતા. આ મુલાકાત સંપન્ન થાય તે પહેલાં વિપક્ષી ઉહાપોહના કારણે મસ્ક તરફથી પડતી મુકાઇ હતી. ત્યારે એવો ઉહાપાહ થયો હતો કે મસ્ક તરફથી આવનાર રોકાણ ભાજપ શાસિત રાજ્યોમાં ખાસ કરીને ગુજરાતમાં ખેંચી જશે.
આ મુલાકાત પડતી મુકાયા બાદ મોદી સરકારે હાશકારો લીધો હતો ત્યાંજ સ્પેક્ટ્રમની હરાજીનો વિવાદ ઉભો થયો હતો અને હવે મસ્ક માટે સરકાર લાલજાજમ બિછાવે એવા સંકેતો મળી રહ્યા છે. મસ્ક પાસે આધુનિક ટેકનોલોજી હોવા ઉપરાંત વિશ્વની મહાસત્તાના પ્રમુખ ટ્રમ્પનું પીઠબળ છે.
આ પણ વાંચો: બની જશે ઈતિહાસ/ Vistara Flightsની આજે છેલ્લી ઉડાન, આ કારણે એરલાઈન્સે લીધો મોટો નિર્ણય
ટ્રમ્પ આયાત પર ટેરીફ વધારવા માંગે છે, ભારતને કોઇ ખાસ ફર્ક નહીં પડે
માત્ર ટેલિકોમ ક્ષેત્ર નહીં પણ ભારતના અન્ય ક્ષેત્રો પણ ટ્રમ્પની ટેરીફ વધારવાની જાહેરાતથી ચિંતીત છે.ટેરીફ વધારવાની ટ્રમ્પે આપેલી ધમકીને તમે કેવી રીતે મૂલવો છે એવા એક પ્રશ્નના જવાબમાં કોમર્સ પ્રધાન પિયુષ ગોયેલે કહ્યું હતું કે ભારતથી મંગાવાતી ચીજો પર ટ્રમ્પ સરકાર ટેરીફ વધારશે તો આયાતને ફટકો પડશે. જોકે અમેરિકાથી મંગાવાતી કેટલીક ચીજો ખાસ કરીને હર્લી ડેવિડસન બાઇક પરની ટેરિફ ભારત ઓછી કરી શકે છેે કેમકે તે પ્રોડક્ટની સામે ભારતમાં કોઇ સ્પર્ધા નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ટેરીફ વધારવાના વિવાદથી બહુ અકળાવવાની જરૂર નથી. ટેરિફ વધારાશે તે અન્ય દેશો પણ ટેરિફ વધારશે કેમકે બિઝનેસ ક્ષેત્રે દરેક એક જ બોટના મુસાફરો છીયે. તેમણે કહ્યું કે ટ્રમ્પ એક-બે વાર કહી ચૂક્યા છે કે ભારમાં ટેરીફ વધારે છે પરંતુ સાથે સાથે તે એમ પણ કહી રહ્યા છે કે તે ભારત સાથે બિઝનેસ વધારવા માંગે છે. હર્લીં ડેવિડસનના મુદ્દે કોમર્સ પ્રધાને કહ્યું છેકે ટ્રમ્પનું વહિવટી તંત્ર આ બાઇક ભારતમાં વેચવા માંગે છે. કોઇ પ્રોડક્ટની ભારતમાં બહુ સ્પર્ધા ના હોય તો અમને ટેરીફ ધટાડવામાં કોઇ વાંધો નથી. ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય બિઝનેસ 120 અબજ ડોલરનો છે.