
Gold Silver Price: મધ્ય-પૂર્વમાં જિઓ-પોલિટિકલ તણાવ વધતાં કિંમતી ધાતુના ભાવ ઉંચકાયા છે. એમસીએક્સ પર સોનાનો વાયદો આજે 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. સોનાનો ઑગસ્ટ વાયદો પ્રથમ વખત રૂ. 1,00,403 પ્રતિ 10 ગ્રામની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે ઑક્ટોબર એક્સપાયરીમાં પણ રૂ. 1,01,295 પ્રતિ 10 ગ્રામની રૅકોર્ડ ટોચ નોંધાઈ હતી.
ઇઝરાયલ દ્વારા ઈરાનના પરમાણુ કેન્દ્રો અને સૈન્ય મથકો પર હુમલાની શરુઆત થતાં મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વણસી છે. જેના લીધે કિંમતી ધાતુ ઉપરાંત ક્રૂડના ભાવમાં પણ વધારો નોંધાયો છે. બપોરના ટ્રેડિંગ સેશનમાં એમસીએક્સ સોનું (5 ઑગસ્ટ વાયદો) 12.27 વાગ્યે રૂ. 1563 ઉછળી રૂ. 99955 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદી રૂ. 272 ઉછળી રૂ. 1,06,157 પ્રતિ કિગ્રાના સ્તરે કારોબાર થઈ રહી હતી.
અમદાવાદમાં સોના-ચાંદીની સ્થિતિ
અમદાવાદમાં પણ સોના-ચાંદીના ભાવમાં મોટાપાયે ઉથલ-પાથલ જોવા મળી છે. ગઈકાલે હાજર બજારમાં સોનાનો ભાવ 1200 રૂપિયા ઉછળી રૂ. 1,00,700 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. જે ધીમે-ધીમે તેની રૅકોર્ડ ટોચ 101,500 તરફ આગેકૂચ કરતો જોવા મળ્યો છે. જ્યારે ચાંદી રૂ. 3000 ઉછળી રૂ. 105000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ હતી. સમાચાર લખાયા ત્યાં સુધીમાં અમદાવાદમાં સોનાનો હાજર ભાવ 102,000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 1,05,000 પ્રતિ કિગ્રા બોલાઈ રહ્યો હતો.
વૈશ્વિક સોનું એક માસની ટોચે
વૈશ્વિક સ્તરે સોનાની કિંમત 35.40 ડૉલર ઉછળી 3437.20 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. આ સાથે વૈશ્વિક સ્તરે સોનું એક માસની ટોચે પહોંચ્યું છે. કોમોડિટી નિષ્ણાતોએ એરસ્ટ્રાઇક શરુ થતાં સોનાના ભાવ વૈશ્વિક સ્તરે 3500 ડૉલરથી વધવાનો અંદાજ આપી રહ્યા છે. અમેરિકામાં લેબર માર્કેટમાં મંદી તેમજ ફુગાવાના પ્રેશરના કારણે કિંમતી ધાતુમાં સંસ્થાકીય રોકાણ વધ્યું છે.
એમસીએક્સ ગોલ્ડ 1,17,000નું સ્તર વટાવશે!
કોમોડિટી નિષ્ણાતોએ વર્તમાન પરિબળોને ધ્યાનમાં લેતાં એમસીએક્સ ગોલ્ડ આગામી સપ્તાહે 99600-96400ના સપોર્ટ લેવલે ટ્રેડ થશે. રેઝિસ્ટન્સ લેવલ 100300-100500 આપી રહ્યા છે. જો સોનું 100500ના સ્તરે સતત ટ્રેડ થતું રહે તો 1,17,000નું લેવલ ક્રોસ કરે તેવી શક્યતાઓ દર્શાવી છે.