
શેરબજારમાં આજે મોટા પાયે કડાકો થયો. સેન્સેક્સ 2226 પોઇન્ટના કડાકા સાથે 73,1377ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી 742 પોઇન્ટ ગગડીને 22,161ના સ્તર પર બંધ થયો હતો. ભારતની સાથે વૈશ્વિક બજારોમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે સર્વત્ર ભયનો માહોલ છે. અમેરિકામાં લાગુ પડેલી મંદી આખી દુનિયામાં ફેલાઈ જવાની શક્યતાએ રોકાણકારોના ડરમાં વધારો કર્યો છે.
જો બજારની વોલેટાલિટીનો ઇતિહાસ તપાસવામાં આવે તો તેણે અગાઉ જ્યારે જ્યારે સંકટો આવ્યા હતાં અને તે વખતે પ્રતિક્રિયા આપી હતી તેવી જ પ્રતિક્રિયા આ વખતે પણ આપી છે. પછી તે 90ના દાયકાનો ડોટકોમ બબલ હોય, 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી હોય કે પછી કોવિડ-19 રોગચાળો હોય. પ્રથમ તો એ પરિસ્થિતિઓ વિશે સમજીએ કે જ્યારે પણ બજાર 10 ટકા કે તેથી વધુ ઘટે ત્યારે બજારને રિકવર થવામાં કેટલા દિવસો લાગે છે.
2004માં ઘટાડા પછી આગામી 6 મહિનામાં બજાર સુધર્યું
2004ની સામાન્ય ચૂંટણીઓમાં NDAની હાર પછી, નિફ્ટી 50એ બે ટ્રેડિંગ દિવસોમાં 20 ટકાથી વધુનો ઘટાડો જોયો હતો. તે સમયે ઇન્ડેક્સ 1,720થી ઘટીને 1,290 થયો હતો. આ પછી બજારે શાનદાર રિકવરી કરી અને પછીના 6 મહિનામાં 33 ટકા વધ્યો અને 1,760 ના સ્તર પર પહોંચી ગયો.
2006માં પણ 6 મહિનામાં બજાર સંપૂર્ણપણે સુધર્યું
2006માં ગ્લોબલ ઇમર્જિંગ માર્કેટના સમયગાળા દરમિયાન, જ્યારે મે અને જૂન વચ્ચે નિફ્ટી 25 ટકાથી વધુ ઘટતા બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તે સમયે ઇન્ડેક્સ 3,557થી ઘટીને 2,597 થયો હતો. આ પછી માત્ર 6 મહિનામાં ઇન્ડેક્સે શાનદાર રિકવરી દર્શાવતા3,962ના સ્તરે પહોંચી ગયો.
નિફ્ટી 2008માં 6 મહિનામાં 50% સુધર્યો હતો
2008ના વૈશ્વિક નાણાકીય સંકટમાં વિશ્વભરના બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે ભારતીય શેરબજારનો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ બાકાત ન રહ્યો. 24 ઓક્ટોબર અને 27 ઓક્ટોબરના માત્ર 2 ટ્રેડિંગ દિવસોમાં બજાર 22 ટકાથી વધુ ઘટીને સીધો 2,252ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ત્યારપછી જાન્યુઆરી 2008માં નિફ્ટી 6,300ની સર્વકાલીન ઊંચી સપાટીથી 60 ટકા ઘટીને 2,252ની નીચી સપાટીએ આવી ગયો હતો. જે પછી નિફ્ટીએ તેના ઘટાડાની 50 ટકા રિકવરી 6 મહિનામાં પૂર્ણ કરી હતી. જોકે, તે સમયે નિફ્ટીને સંપૂર્ણ રીતે રિકવર થવામાં 20થી 22 મહિનાનો સમય લાગ્યો હતો.
કોરોની મહામારીમાં 6 મહિનામાં બજાર રિકવર થયું
જ્યારે કોરોના મહામારીને પગલે લોકડાઉન લાદવામાં આવ્યું હતું, એ સમયે તેની અસર નિફ્ટી 50 ઈન્ડેક્સમાં પણ જોવા મળી હતી. માર્ચ 2020માં, નિફ્ટીમાં માત્ર થોડા ટ્રેડિંગ દિવસોમાં 35 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ ઇન્ડેક્સ 11,900થી ઘટીને 7,550ના સ્તરે પહોંચી ગયો. જેના કારણે રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું. જો કે સપ્ટેમ્બર 2020 સુધીમાં બજારમાં તીવ્ર રિકવરી જોવા મળી અને નિફ્ટી 11,900ના સ્તરે પરત ફર્યો.
આવા 4 મોટા ઘટાડા પછીની રિકવરીને જોતા સ્પષ્ટ છે કે 2008 સિવાય દરેક કટોકટી પછી શેરબજાર લગભગ 6 મહિનામાં રિકવરી કરી છે. શું આ વખતે પણ ઇતિહાસનું પુનરાવર્તન થશે? આ અંગે હજુ કંઈ કહી શકાય તેમ નથી. તેમ છતાં શેરબજારના ડેટા એ જ દર્શાવે છે કે, બજારમાં મોટા કડાકા પછી ઝડપથી રિકવરી આવે છે. જો કે આમાં સરકારની પણ ભૂમિકા છે. સરકારો અને કેન્દ્રીય બેંકો એવી નીતિઓ લાગુ કરે છે જે બજારને સુધારવામાં મદદ કરે છે. ઘણા નવા રોકાણકારો આવા સમયે ડરી જાય છે, પરંતુ ઘણા અનુભવી રોકાણકારો આવી તકોની રાહ જોતા હોય છે. તે આવી તકોમાં રોકાણ વધારે છે.