
Stock Market Crash Today: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા તણાવની અસર શેરબજારને ( Stock Market ) પણ થઈ છે. શુક્રવારે, નિફ્ટી ફરી એકવાર 24000 ની નીચે આવી ગયો, જ્યારે સેન્સેક્સમાં પણ 900 પોઈન્ટથી વધુનો મોટો ઘટાડો જોવા મળ્યો. સૌથી મોટો ઘટાડો મિડ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં જોવા મળી રહ્યો છે. શેરબજારમાં ધડાકાને પગલે રોકાણકારોના કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું છે. વૈશ્વિક બજારોમાં સારા વિકાસના સંકેતો હોવા છતાં, સ્થાનિક બજાર તૂટી પડ્યું. સવારે 10 વાગ્યે, સેન્સેક્સ 881.49 પોઈન્ટ ઘટીને 78,919.94 પર હતો, જ્યારે નિફ્ટી 285.05 પોઈન્ટ ઘટીને 23,961.65 પર હતો. છેલ્લે સેન્સેક્સમાં(Sensex) 1100થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. નિફ્ટીએ પણ 350થી પોઈન્ટના કડાકા સાથે 24000નું લેવલ ગુમાવ્યું છે. માર્કેટમાં મોટા કડાકાના કારણે રોકાણકારોની મૂડીમાં આજે રૂ. 10.72 લાખ કરોડનું ધોવાણ થયું છે.
શેરબજારમાં સાર્વત્રિક મંદીના માહોલ વચ્ચે સ્મોલકેપ 1765 પોઈન્ટ અને મીડકેપ 1424 પોઈન્ટના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. બેન્કિંગ, રિયાલ્ટી, પાવર, ઓઈલ-ગેસ, ટેલિકોમ શેર્સમાં પણ મોટાપાયે વેચવાલી નોંધાતા ઈન્ડેક્સ 2 ટકાથી વધુ તૂટ્યો છે.
BSE પર માત્ર 464 શેર જ સુધારા તરફી
પહલગામ આતંકી હુમલા બાદ સૌની નજર ભારત સરકાર અને તેની કાર્યવાહી પર છે. જેના પગલે રોકાણકારોએ પણ હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. બીએસઈ ખાતે આજે કુલ ટ્રેડેડ 3877 શેર પૈકી માત્ર 464 શેર નજીવા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે 3282 શેર કડડભૂસ થયા છે. 329 શેરમાં લોઅર સર્કિટ વાગી છે.
મંથલી એક્સપાયરીની અસર
એપ્રિલ મહિનાની F&O એક્સપાયરીની પહેલાં માર્કેટમાં સેટલમેન્ટની અસર પણ જોવા મળી છે. નિફ્ટી મંથલી એક્સપાયરી 28 એપ્રિલ, 2025 છે. તે પહેલાં રોકાણકારો સેટલમેન્ટ કરી રહ્યા છે. વર્તમાન સ્થાનિક પરિબળોને ધ્યાનમાં લેતાં રોકાણકારો હાલ પ્રોફિટ બુક કરી રહ્યા છે. અને નવી ખરીદી ટાળી રહ્યા છે. જેના લીધે શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનું જોર વધ્યું છે.
બજાર પછડાવાના 3 મોટા કારણો
પહેલું કારણ: પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. ભારતે સિંધુ જળ સંધિ અટકાવી દીધી અને રાજદ્વારી સંબંધો ઘટાડી દીધા. જેની અસર બજાર પર જોવા મળી.
બીજું કારણ: ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે બેંકિંગ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી, નિફ્ટી પ્રાઇવેટ બેંક અને પીએસયુ બેંક સૂચકાંકોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારો આ સમયે બેંકો વિશે સૌથી વધુ ચિંતિત છે.
ત્રીજું કારણ: બજાર એક્સપર્ટ મે મહિનામાં લોકોને સતર્ક રહેવાની સલાહ આપી રહ્યા છે. શેરબજારમાં મે મહિનાની શરૂઆત સાથે, ફરી એક વાર પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આ વખતે "Sell in May and go away” ફોર્મ્યુલા કામ કરશે કે પછી તેજીવાળા બજારને ફરીથી ઉપર લઈ જશે?