
- એન્ટેના
- કંપનીના માલિક ટીડીએસ કરીને કચેરીમાં જમા ન કરાવે તો પણ પગારદારને આવકવેરા ખાતું પૂછી શકતું નથી
આવકવેરાના રિટર્નમાં ફાઈલ કરવામાં આવેલી ટીડીએસની વિગતોમાં ફોર્મ ૧૬ અને ૨૬એએસના સ્ટેટમેન્ટમાં આપેલી દરેક એન્ટ્રી અને તેની સાથે સંકળાયેલા પાનકાર્ડની ચકાસણી રિટર્ન ફાઈલ કરનારે કરી લેવી જરૂરી છે. તેમાં જરાય ભૂલચૂક થાય તો મિસમેચ થશે. મિસમેચ થશે તો તમારા રિઁફડ અટકી જવાની કે ટેક્સની રકમ જમા કરાવવાની જવાબદારી વધી જવાની શક્યતા રહેલી છે. જોકે કંપનીના માલિક ટીડીએસ કરી લે તે પછી તે રકમ આવકવેરા ખાતામાં જમા ન કરાવે તો પગારદારને માથે તેની જવાબદારી આવતી નથી. કંપનીના માલિક પાસેથી જ તે રકમ આવકવેર ખાતાએ વસૂલવાની આવે છે.
ફોર્મ ૧૬માં ટેક્સ ડીડક્શન એટ સોર્સ-ટીડીએસની વિગતો કંપનીના માલિક દ્વારા આપવામાં આવે છે. જ્યારે ફોર્મ ૨૬-એએસના સ્ટેટમેન્ટમાં પણ તમામ ટીડીએસની તથા તમે કરેલા દરેક આર્થિક વહેવારો પર થયેલા ટીસીએસ-ટેક્સ કલેક્શન એટ સોર્સની વિગતો આપવામાં આવે છે. આ બંને ફોર્મની વિગતો રિટર્નમાં અપલોડ કરતી વેળાએ બંનેની વિગતો સરખી રહે તે જોવી જરૂરી છે. રિટર્નમાં વિગતો મૂકતા પહેલા ટીડીએસની દરેક એન્ટ્રીમાં દર્શાવવામાં આવેલા પાનકાર્ડ નંબર અને રકમની ખરાઈ કરી લેવી જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો પગારદાર કરદાતાઓએ તેમના રિટર્ન ફાઈલ કરતાં પહેલા ફોર્મ ૧૬ અને ટીડીએસ સ્ટેટમેન્ટ ૨૬એએસની વિગતો એકબીજા સાથેના મેળમાં હોય તેની ખાતરી કરી લેવી જરૂરી છે. ૨૬એએસમાં ટીડીએસ કે ટીસીએસ કરનારી વ્યક્તિએ ખોટો પાન નંબર નાખ્યો હોય તો જ તેમાં મિસમેચ જોવા મળે છે. આ સંજોગોમાં ટીડીએસ કરનારાએ સાચો પાન નંબર નાખી દેવાનો આવે અને ખોટો નંબર નાખનાર તેના રિટર્નમાં સુધારો કરી દે તો સમસ્યા ઉકલી શકે છે. તેને માટે ટીડીએસ ડિડક્ટ કરનારાએ તેનું રિટર્ન અપડેટ કરવું પડે છે. આ જ રીતે પગારની રકમમાંથી કરવામાં આવેલા ટીડીએસની રકમ સાચી રીતે ન દર્શાવવામાં આવી હોય તો તેવા સંજોગોમાં ૨૬-એએસમાં ખોટી રકમ જ જોવા મળશે. તેથી પણ મિસમેચ થશે. આ સ્થિતિમાં તમારી કંપનીના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરીને તે ભૂલ સુધારી લેવા વિનંતી કરવાની રહેશે.
ફોર્મ ૧૬માં ચોકસાઈ જળવાઈ રહે તે માટે કર્મચારીએ લીવ ટ્રાવેલ એલાવન્સ, હાઉસ રેન્ટ એલાવન્સ સહિતની એક્ઝમ્પ્ટ કરેલી આઈટેમ્સની વિગતો ફોર્મ ૧૬ વ્યવસ્થિત બને તે માટે આપવી જરૂરી છે. રેન્ટ-ભાડાં પરની ટીડીએસની વિગતો મેળવવા માટે કર્મચારીએ કંપનીને ભાડાં કરાર કે ભાડાંની રિસિપ્ટની નકલ આપેલી હોવી જોઈએ. તેમ ન કરવામાં આવે તો કંપની જરૂર કરતાં વધુ રકમની ટીડીએસ કરી લે તેવી સંભાવના છે. આ જ રીતે આરોગ્ય વીમા, ટયૂશન ફીના ખર્ચના પુરાવાઓ પણ આપેલા હોવા જરૂરી છે. પગારદાર વ્યક્તિએ વચગાળામાં નોકરી બદલી હોય તેમણે ગ્રેચ્યુઈટીની અને રજા રોકડી કરવાથી થનારી આવકની વિગતો આપવી પણ જરૂરી છે.
- વિવેક મહેતા