Home / Business : Keep these rules in mind before starting trading, avoid heavy losses in the stock market

ટ્રેડિંગની શરૂઆત કરતા પહેલા આ નિયમોનું રાખો ધ્યાન, શેરબજારના ભારે નુકસાનથી બચો

ટ્રેડિંગની શરૂઆત કરતા પહેલા આ નિયમોનું રાખો ધ્યાન, શેરબજારના ભારે નુકસાનથી બચો

શેરબજારમાં ટોચના રોકાણકાર અને ટ્રેડર રાકેશ ઝુનઝુનવાલાએ માત્ર રૂ. 5000ના નજીવા રોકાણ સાથે ટ્રેડિંગની શરુઆત કરી હોવાની વાતો સૌ કોઈએ સાંભળી છે. પરંતુ સાથે સાથે એ પણ સાંભળ્યું હશે કે, બધા રાકેશ ઝુનઝુનવાલા બની શકે નહીં. જેની પાછળનું કારણ રોકાણકારમાં ધીરજ અને આવડતની ખામી છે. શેરબજારમાં ગત વર્ષે નોંધાયેલી આકર્ષક તેજીમાં ઘણા લોકો શેરબજારમાંથી કમાણી કરવાનું વિચારી રહ્યા હતા. અહીં આપવામાં આવેલા નિયમોના અનુસરણથી શેરબજારમાં કમાણી થઈ શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શેરબજારમાં મોટાભાગે પૈસા કમાવવાની હોડમાં લોકો નિયમો અને જોખમોને ભૂલી જાય છે અથવા તો જાણીજોઈને અવગણના કરે છે અને ફરિયાદ કરે છે કે તેમને શેરબજારમાંથી ભારે નુકસાન થયું છે. કડવું પણ સત્ય છે કે, શેરબજારમાં 90 ટકા રિટેલ રોકાણકારો પૈસા કમાવી શકતા નથી. જો કે, 10 ટકા લોકો વેલ્થ ક્રિએટ કરવામાં સફળ થાય છે. જેની પાછળનું કારણ નિયમોનું અનુસરણ છે.

આ સાત નિયમો હંમેશા યાદ રાખો

1. કેવી રીતે શરુઆત કરવીઃ શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં એ જાણવાનો પ્રયાસ કરો કે શેરબજાર શું છે ? શેરબજાર કેવી રીતે કામ કરે છે ? શેરબજારમાંથી લોકો કેવી રીતે કમાય છે ? કારણ કે શેરબજાર પૈસા કમાવવાનું મશીન નથી. આ ડિજિટલ યુગમાં, તમે ઘરે બેઠા આ વિશે ઓનલાઇન માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત, તમે આ મામલે નાણાકીય સલાહકારની મદદ પણ લઈ શકો છો, જે તમને શરુઆતમાં યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે.

2. નાની રકમથી રોકાણ શરુ કરોઃ શેરબજારમાં રોકાણ કરવા માટે વ્યક્તિ પાસે મોટી રકમ હોવી જરૂરી નથી. મોટાભાગના લોકો આ ભૂલ કરે છે. તેઓ તેમની તમામ બચત શેરબજારમાં રોકાણ કરે છે, પછી તેઓ બજારમાં ઉતાર-ચઢાવ સહન કરવામાં અસમર્થ હોય છે. તેથી, તમે નાની રકમથી શરુઆત કરો. શેરબજારમાં 50-50નો રેશિયો અપનાવો અર્થાત્ રોકાણ માટે ફાળવેલી રકમનો અડધો હિસ્સો જ માર્કેટમાં લગાવો.

3. લાર્જકેપની પસંદ કરો: શરુઆતમાં ખૂબ ઊંચા રિટર્નની આશા ન રાખો. લાંબા ગાળાના રોકાણ લક્ષ્ય સાથે લાર્જકેપ અને ટોચની દિગ્ગજ કંપનીઓમાં જ રોકાણ કરો. જેથી મોટું નુકસાન અટકાવી શકાય. બ્લુ ચિપ કંપનીઓમાં વારંવાર રોકાણ કરવાનું શરુ કરો, જે મૂળભૂત રીતે મજબૂત છે. જ્યારે તમારી પાસે થોડા વર્ષોનો અનુભવ હોય, તો પછી તમે થોડું જોખમ લઈ શકો છો.

4. રોકાણ કરો ટ્રેડિંગ નહીઃ સમય અને મોટી રકમના અભાવે નાના રોકાણકારોએ ધીમે-ધીમે રોકાણ વધારવું જોઈએ. ટ્રેડિંગ પર ફોકસ કરવું જોઈએ નહીં. જ્યારે તમે થોડા વર્ષો સુધી સતત બજારમાં રોકાણ કરો છો, તો તમે લક્ષ્ય હાંસલ કરી શકો છો. ઘણીવાર જેઓ લાંબા સમય સુધી બજારમાં રોકાણ કરે છે તેમને ફાયદો થાય છે.

5. પેની સ્ટોક્સથી દૂર રહો: રિટેલ રોકાણકારો ઘણીવાર સસ્તા શેરો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ બિનજરૂરી રીતે રૂ. 10-15ની કિંમતના શેરો ખરીદે છે અને પણ સસ્તામાં સિદ્ધપુરની જાત્રા કરવા માગતા લોકો રસ્તો ભૂલી જાય છે. અને રિટર્ન તો દૂર મૂડી ગુમાવવાનો પણ વારો આવી શકે છે. હંમેશા કંપનીની વૃદ્ધિને ધ્યાનમાં રાખીને સ્ટોક પસંદ કરો. માત્ર એવી કંપનીમાં જ રોકાણ કરો જેનો બિઝનેસ સારો હોય અને તે બિઝનેસનું સંચાલન સારું હોય.

6. મંદીમાં ગભરાશો નહીં: જ્યારે પણ શેરબજારમાં ઘટાડો થાય છે, ત્યારે ગભરાશો નહીં, પરંતુ રોકાણની તક તરીકે તેનો લાભ ઉઠાવો. મોટે ભાગે, રિટેલ રોકાણકારો જ્યાં સુધી કમાય છે ત્યાં સુધી રોકાણ કરે છે. પરંતુ જેમ જેમ બજાર નીચે તરફ જાય છે તેમ, તેઓ રોકાણ ઘટાડી દે છે. તેમજ પોતાના રોકાણ પર વધુ નુકસાનના ભયે સસ્તામાં ખાલી કરી દે છે. અહીં તમને 50-50નો રેશિયો કામ લાગશે. તમે શેરબજારમાં સાચવી રાખેલી 50 ટકા મૂડી તમે મંદીના સમયમાં રોકાણ અર્થે વાપરી શકો છો. તેમાં પણ 30-20નો રેશિયો રાખી શકો છો.

7. કમાણીના અમુક હિસ્સો સુરક્ષિત રોકાણમાં વાપરોઃ શેરબજારમાંથી થતી કમાણીનો અમુક હિસ્સો સુરક્ષિત રોકાણ તરીકે ઉપયોગ કરો. શેરબજારમાં આવડત કે ફાવટ ન હોય તો મ્યુચ્યુઅલ ફંડ જેવા ઇન્સ્ટ્રુમેન્ટમાં નાણાકીય સલાહકારની મદદથી રોકાણ કરી શકો છો. 

Related News

Icon