
દરેક વ્યક્તિ પોતાનું ઘર બનાવવાનું સપનું જુએ છે. આ માટે તે ઘણી મહેનત કરે છે, પરંતુ કેટલીકવાર પૈસાના અભાવે તેનું સપનું અધૂરું રહી જાય છે. પરંતુ આ સપનું પૂરું કરવા માટે હોમ લોન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
જો તમે પણ ઘર ખરીદવા માટે લોન લેવાનું વિચારી રહ્યા છો, તો જોઈન્ટ હોમ લોન લેવાનો પ્રયાસ કરો. આ લોન તમે તમારી પત્ની અથવા પરિવારના કોઈપણ સભ્ય સાથે લઈ શકો છો.
તમે આ લોન સસ્તા દરે સરળતાથી મેળવી શકો છો. આ લોનની સૌથી મોટી ખાસિયત એ છે કે તમને હોમ લોનની સરખામણીમાં વધુ ટેક્સ બેનિફિટ મળે છે. જો તમે તમારી પત્ની સાથે હોમ લોન લો છો, તો તમે 7 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બચાવી શકો છો.
જોઈન્ટ હોમ લોનમાં ટેક્સની જોગવાઈ
જોઈન્ટ હોમ લોનમાં, તમે ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80C અને સેક્શન 24(B) હેઠળ ટેક્સ બેનિફિટ મેળવી શકો છો. સેક્શન 80C હેઠળ, બંને લોન ધારકો રૂ. 1.5 લાખ સુધીનો ટેક્સ બેનિફિટ મેળવી શકે છે.
આ ઉપરાંત, સેક્શન 24(B) હેઠળ બંને લોન ધારકો 2 લાખ રૂપિયા સુધી હોમ લોનના વ્યાજ પર કપાતનો દાવો કરી શકે છે.
આ રીતે હોમ લોનના વ્યાજ પર મહત્તમ 3.50 લાખ રૂપિયા સુધીની કપાત કરી શકાય છે. આનો અર્થ એ છે કે બંને લોન ધારકો 3.50 લાખ + 3.50 લાખ એટલે કે કુલ 7 લાખ રૂપિયાસુધીના ટેક્સ બેનિફિટ મેળવી શકે છે.
ટેક્સ બેનિફિટ મેળવવા માટેની શરતો
હોમ લોન પર રૂ. 7 લાખનું રિબેટ ત્યારે જ મળશે જ્યારે બંને લોન લેનારા મિલકતના કો-ઓનર હોય. તેમજ લોનના દસ્તાવેજોમાં કો-બોરોઅર તરીકે બંનેના નામ નોંધાયેલા હોવા ફરજિયાત છે.
તેને આ રીતે સમજો, જો તમે પ્રોપર્ટીના પેપર્સમાં માલિક છો, પરંતુ હોમ લોન પેપર્સમાં તમારું નામ કો-બોરોઅર તરીકે નથી, તો તમને ટેક્સ બેનિફિટ નહીં મળે.
તમને જણાવી દઈએ કે કો-બોરોઅર એટલે કે લોનની ચુકવણીની જવાબદારી લેનાર. આ સિવાય લોનની EMI બંને દ્વારા ચૂકવવામાં ચૂકવવામાં આવી રહી હોય તો જ ટેક્સ બેનિફિટ મળશે.
જોઈન્ટ હોમ લોનના ફાયદા
ઘણી વખત, ક્રેડિટ સ્કોર સારો ન હોય અથવા ઓછી આવક અને અન્ય કેટલાક દેવાના કારણે લોન મેળવવામાં મુશ્કેલી થાય છે. આવી સ્થિતિમાં જો બે લોકો એકસાથે લોન લે છે તો લોન મેળવવી સરળ બની જાય છે. તમને જણાવી દઈએ કે અન્ય વ્યક્તિની રિ-પેમેન્ટ કરવાની ક્ષમતા સારી હોવી જોઈએ.
જ્યારે સિંગલ લોનમાં, લોન માત્ર એક વ્યક્તિની આવકના આધારે મળે છે, જ્યારે જોઈન્ટ હોમ લોનમાં, કુલ આવકના આધારે લોન મળે છે. આવી સ્થિતિમાં લોનની મર્યાદા વધારવાની સંભાવના વધી જાય છે.
જો કોઈ મહિલા સાથે જોઈન્ટ હોમ લોન લેવામાં આવે તો વ્યાજ દર ઓછો હોઈ શકે છે. ઘણી બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ મહિલા કો-એપ્લિકેન્ટ માટે વિવિધ વ્યાજ દરો નક્કી કરે છે. જો કે, આ લાભ ત્યારે જ મળે છે જ્યારે સ્ત્રી મિલકતની એકમાત્ર માલિક અથવા કો-ઓનર હોય.