Home / Business : New Income Tax Bill will be implemented from 2026

નવું ઈન્ક્મટેક્સ બિલ 2026થી લાગુ થશે, જુઓ જાહેર થયેલ ડ્રાફ્ટની વિગતો

નવું ઈન્ક્મટેક્સ બિલ 2026થી લાગુ થશે, જુઓ જાહેર થયેલ ડ્રાફ્ટની વિગતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગયા અઠવાડિયે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ‘નવા આવકવેરા બિલ 2025’(New Income Tax Bill 2025)ને મંજૂરી આપવામાં આવી હતી. 1 એપ્રિલ, 2026થી લાગુ થવા જઈ રહેલું આ બિલ ટૂંક સમયમાં લોકસભામાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ તેને વિગતવાર ચર્ચા માટે સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવશે. જોકે, એમ થાય એ પહેલા તેનો ડ્રાફ્ટ જાહેર થઈ ગયો છે. 622 પાના લાંબા આ બિલની વિશેષતાઓ પર એક નજર નાંખીએ. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પાનાની સંખ્યામાં ઘટાડો

નવા આવકવેરા બિલમાં પાનાની સંખ્યા ઓછી કરવામાં આવી છે. 63 વર્ષ અગાઉ 1961માં લાગુ કરાયેલા આવકવેરા બિલમાં 880 પાના હતા, જે હવે ઘટાડીને 622 કરી દેવાયા છે. અલબત્ત, બિલમાં પ્રકરણોની સંખ્યા જેમની તેમ જાળવી રખાઈ છે. આ બિલમાં પણ 23 પ્રકરણ છે. બિલમાં કુલ 536 વિભાગો છે.

નવું બિલ જૂનાની સરખામણીમાં સરળ છે

નવું આવકવેરા બિલ જૂના બિલની તુલનામાં સરળ છે. જૂનામાં હતા એવા ઘણા અઘરા શબ્દોને સ્થાને સમજવામાં સરળ હોય એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમ કે, હવેથી નાણાંકીય વર્ષના આખા 12 મહિનાને ‘કરવેરા વર્ષ’ (Tax Year) કહેવામાં આવશે; ‘આકારણી વર્ષ’ (Assessment Year) શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. એ ઉપરાંત આ બિલમાં ‘સ્ટાન્ડર્ડ ડિડક્શન’ અને ‘કેપિટલ ગેઈન ટેક્સ’ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે. 

દર બદલાયા કે જેમના તેમ છે?

નવા બિલમાં શેરબજાર માટે ટૂંકા ગાળાના મૂડી લાભના સમયગાળામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કલમ 101(b) હેઠળ, 12 મહિના સુધીના સમયગાળાને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ગણવામાં આવશે. આ ઉપરાંત તેના દરો પણ સમાન રાખવામાં આવ્યા છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 20 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.

કર વ્યવસ્થામાં શું ફેરફાર થયા? 

નવા ટેક્સ બિલમાં ટેક્સ રિજીમ(New Tax Regime) બાબતે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી; બજેટમાં જાહેર કરાયેલા દરો યથાવત રહેશે. નવી કર વ્યવસ્થામાં સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે; જે અંતર્ગત 12 લાખ રૂપિયા સુધીની કમાણીને આવકવેરામાંથી બહાર રાખવામાં આવી છે. ઉપરાંત, નવી કર વ્યવસ્થા હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 રૂપિયા અને જૂના ટેક્સ શાસન હેઠળ 50,000 રૂપિયા હશે.

નવો ટેક્સ સ્લેબ 2025

  • 4 લાખ રૂપિયા સુધીની આવક – કોઈ ટેક્સ નહીં
  • 4 લાખ 1 રૂપિયાથી 8 લાખ રૂપિયા સુધીની આવક - 5 ટકા ટેક્સ
  • 8 લાખ 1 રૂપિયાથી 12 લાખ રૂપિયા સુધીની આવક – 10 ટકા ટેક્સ
  • 12 લાખ 1 રૂપિયાથી 16 લાખ રૂપિયા સુધીની આવક – 15 ટકા ટેક્સ
  • 16 લાખ 1 રૂપિયાથી 20 લાખ રૂપિયા સુધીની આવક – 20 ટકા ટેક્સ

આ સંસ્થાને મળ્યો વિશેષાધિકાર

અગાઉ આવકવેરા વિભાગે વિવિધ કર યોજનાઓ શરૂ કરવા માટે સંસદનો સંપર્ક કરવો પડતો હતો, પરંતુ નવા ટેક્સ એક્ટ (2025) મુજબ, હવે ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ’(CBDT)ને સ્વતંત્ર રીતે આવી યોજનાઓ શરૂ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તેનો હેતુ અમલદારશાહી વિલંબની સમસ્યાને દૂર કરવાનો છે. CBDT કલમ 533 મુજબ પુનરાવર્તિત કાયદાકીય સુધારા કર્યા વિના કર સંબંધિત વહીવટી નિયમો તૈયાર કરી શકશે અને તેને રજૂ કરી શકશે. ઉપરાંત, CBDT ડિજિટલ ટેક્સ મોનિટરિંગ સિસ્ટમ પણ લાગુ કરી શકશે.

Related News

Icon