
ઓનલાઈન પેમેન્ટ માટે યુપીઆઈનો ઉપયોગ કરતાં યુઝર્સ માટે 1 જાન્યુઆરી, 2025થી અનેક ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આરબીઆઈએ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સુરક્ષામાં વધારો કરતાં અમુક નિયમોમાં ફેરફાર કર્યા છે. નવો નિયમ લાગુ થયા બાદ યુઝર્સે મોટી રકમના ટ્રાન્ઝેક્શન માટે મંજૂરી લેવી પડશે. તેમજ અન્ય અમુક સુવિધાઓ પણ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ સાવધાન/ હેપી ન્યૂ યર મેસેજથી ચેતી જાજો, ક્લિક કરતાં જ મોબાઇલ થઇ જશે હેક
UPI123Payની મર્યાદા વધારાઈ
આરબીઆઈએ ફીચર ફોન યુઝર્સ માટે સજ્જ પેમેન્ટ સર્વિસ UPI123Payની ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારી છે. 1 જાન્યુઆરી, 2025થી યુઝર્સ UPI123Pay મારફત રોજના રૂ. 10,000 સુધીની લેવડ-દેવડ કરી શકશે. અગાઉ તેની મર્યાદા રૂ. 5000 હતી. ફીચર ફોનના વપરાશ અને ઓફલાઈન પેમેન્ટની સુવિધા આપતા પ્લેટફોર્મ UPI123Pay પર હવે યુઝર્સ મોટી રકમ ટ્રાન્સફર કરી શકશે. ઉલ્લેખનીય છે, સ્માર્ટફોન મારફત યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરતાં યુઝર્સની પેમેન્ટ લિમિટ યથાવત રાખવામાં આવી છે. PhonePe, Paytm, Google Pay હેઠળ યુઝર સ્માર્ટફોન મારફત રૂ. 1 લાખ સુધીના ટ્રાન્ઝેક્શન કરી શકે છે. તેમજ કોલેજ ફી અને હોસ્પિટલના કિસ્સામાં રૂ. 5 લાખ સુધીની ચૂકવણી કરવાની સુવિધા પણ છે.
એક જ એકાઉન્ટ પરથી વધુ લોકો દ્વારા પેમેન્ટ
યુપીઆઈ સર્કલ ફીચર 2024માં લોન્ચ થયુ હતું. જે આગામી વર્ષથી તમામ યુપીઆઈ સમર્થિત પ્લેટફોર્મ પર લાગુ થશે. હાલ ભીમ એપના યુઝર્સ યુપીઆઈ સર્કલનો લાભ ઉઠાવી શકે છે. જેમાં યુઝર પોતાના મિત્ર, પરિજનોને યુપીઆઈ એકાઉન્ટ એક્સેસ કરવાની મંજૂરી આપે છે. એક જ બેન્ક એકાઉન્ટ મારફત એક કરતાં વધુ લોકો ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે. જો કે, પ્રાઈમરી એકાઉન્ટ હોલ્ડર અન્ય યુઝર્સ માટે ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરી શકે છે.
યુપીઆઈ સર્કલમાં બે વિકલ્પ
ફૂલ ડેલિગેશનઃ આ વિકલ્પમાં સેકેન્ડરી યુઝરે નિશ્ચિત પેમેન્ટ લિમિટ સાથે ટ્રાન્ઝેક્શન કરવા માટે મંજૂરી મળશે.
પાર્શિયલ ડેલિગેશનઃ આ વિકલ્પ સાથે સેકેન્ડરી યુઝર કોઈપણ ટ્રાન્ઝેક્શન શરૂ કરી શકશે. પરંતુ યુપીઆઈ પિન મારફત ટ્રાન્ઝેક્શન પૂર્ણ પ્રાઈમરી યુઝર કરશે.
પાંચ યુઝરને સામેલ કરી શકાશે
યુપીઆઈ સર્કલ ફીચરમાં યુઝર વધુમાં વધુ પાંચ લોકોને યુપીઆઈ પેમેન્ટ પોતાના એકાઉન્ટ મારફત કરવા મંજૂરી આપી શકે છે. જેની ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 5000 પ્રતિ દિન અને માસિક મર્યાદા રૂ. 15000 રહેશે. યુપીઆઈ એપ્સ સાથે સેકેન્ડરી યુઝર માટે પાસકોડ, બાયોમેટ્રિક્સની માહિતી હોવી જરૂરી છે.
યુપીઆઈ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ સ્તરે
નાણા મંત્રાલયે હાલમાં જ યુપીઆઈ દ્વારા થતાં ટ્રાન્ઝેક્શનના ચોંકાવનારા આંકડાઓ જાહેર કર્યા હતા. જે અનુસાર, જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન કુલ 15537 ટ્રાન્ઝેક્શન થયા છે. આ ટ્રાન્ઝેક્શનની વેલ્યૂ રૂ. 223 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી છે.