
એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણી હવે તેમના રિટેલ બિઝનેસને બદલવા માટે ભારતના લોકપ્રિય ગ્રોસરી સ્ટાર્ટઅપ્સની વ્યૂહરચના અપનાવી રહ્યા છે. જ્યાં પહેલા ડિલિવરીમાં એક કે બે દિવસનો સમય લાગતો ત્યાં હવે રિલાયન્સે 10થી 30 મિનિટમાં માલ પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે.
“ક્વિક કોમર્સ”એ ભારતમાં ખરીદીની રીત બદલી નાખી છે. ઝોમેટો, સ્વીગી, ઝેપ્ટો જેવી કંપનીઓ 10 મિનિટની અંદર નજીકના વેરહાઉસમાંથી ડિલિવરી કરી રહી છે, જે એમેઝોનને પણ પાછળ છોડી રહી છે. જોકે આ કંપનીઓ નુકસાન વેઠીને ધંધો કરી રહી છે, પરંતુ તેઓ નાની દુકાનો અને સુપરમાર્કેટના વેચાણને અસર કરી રહી છે કારણ કે લોકો હવે દૂધ, ચોકલેટથી લઈને આઇફોન સુધીની દરેક વસ્તુની તાત્કાલિક ડિલિવરી પસંદ કરે છે.
ક્વિક કોમર્સનું ક્ષેત્ર એટલું ઝડપથી વધી રહ્યું છે કે અંબાણીની રિલાયન્સ તેની અવગણના કરી શકે એમ નથી. જોકે, નિષ્ણાંતો માને છે કે રિલાયન્સને આ બિઝનેસમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે, જેમ કે નાના વેરહાઉસનો અભાવ અને સુપરમાર્કેટમાંથી આ બિઝનેસ ચલાવવામાં પડનારી મુશ્કેલીઓ. ડેટમ ઇન્ટેલિજન્સનો અંદાજ છે કે ક્વિક કોમર્સનું વેચાણ આ વર્ષે $6 બિલિયન સુધી પહોંચી શકે છે, જે 2020માં માત્ર $100 મિલિયન હતું. રિલાયન્સ ત્વરિત ડિલિવરી માટે 1,150 શહેરોમાં ફેલાયેલી તેની 3,000 સુપરમાર્કેટની ચેઇનનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. આ માટે સુપરમાર્કેટમાં ખાસ કિઓસ્ક બનાવવામાં આવશે, જ્યાંથી નાની ટીમો કામ કરશે.
રિલાયન્સ રિટેલના આઇપીઓ પહેલા અંબાણી ક્વિક કોમર્સ દ્વારા પોતાનો બિઝનેસ મજબૂત કરવા માંગે છે. ગયા વર્ષે રિલાયન્સ રિટેલનું મૂલ્ય $100 બિલિયન હતું અને તેમાં કેકેઆર જેવા રોકાણકારોનો પણ સમાવેશ થાય છે.
રિલાયન્સ એ ભારતના $600 બિલિયન ગ્રોસરી માર્કેટમાં સૌથી મોટી ફીઝીકલ રિટેલર છે, જો કે તે હજુ પણ ઈ-કોમર્સમાં એમેઝોન કરતાં પાછળ છે. રિલાયન્સે ક્વિક કોમર્સને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ તેની હરીફ ડીમાર્ટે કહ્યું છે કે ઓનલાઈન ગ્રોસરી સેવાઓની અસર મોટા શહેરોમાં તેના સ્ટોર્સ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
રિલાયન્સની "હાયપરલોકલ" સેવા નવી મુંબઈ અને બેંગલુરુમાં કેટલાક સ્ટોર્સમાં પહેલેથી જ શરૂ થઈ ગઈ છે અને તેને ટૂંક સમયમાં દિલ્હી અને ચેન્નાઈમાં શરૂ કરવાની યોજના છે. આ ઉપરાંત, કંપની તેના ડિલિવરી ડ્રાઇવરોને સાપ્તાહિક બોનસ આપીને બિઝનેસને વધુ વેગ આપવાની તૈયારી કરી રહી છે.
રિલાયન્સે ઝડપી ડીલીવરી માટે તેમનામાં 26 ટકા હિસ્સેદારી ધરાવતી ડુન્ઝોનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. ગ્રાહકોને આકર્ષવા માટે અંબાણી ફ્રી ડિલિવરી પણ આપી રહ્યા છે. ઉદાહરણ તરીકે, મુંબઈમાં ગ્રાહકો કોઈપણ ડિલિવરી ચાર્જ વિના જિયોમાર્ટ એપ દ્વારા ₹40ની કિંમતનો કોકા-કોલાનો કેન ઓર્ડર કરી શકે છે, જ્યારે તેની હરીફ કંપનીઓ આવા નાના ઓર્ડર પર ₹65 સુધીની “નાની ઓર્ડર ફી” અને “હાઈ ડિમાન્ડ ફી” વસૂલે છે.