
જામનગરમાં રિલાયન્સની ઓઇલ રિફાઈનરીની સ્થાપનાના 25 વર્ષ પૂરાં થવા પર આયોજિત સમારોહમાં કર્મચારીઓ અને પરિવારના સભ્યોને સંબોધતાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને સંસ્થાપક નીતા અંબાણીએ ધીરુભાઈ અંબાણીને યાદ કર્યા હતા. પોતાની સ્પીચમાં તેમણે કહ્યું કે જામનગર કોઈ એક સ્થળ નથી પરંતુ રિલાયન્સનો આત્મા છે.
આ પણ વાંચો: Dhirubhai Ambani Birthday: પકોડા વેચ્યા, 300માં કરી નોકરી, જાણો 500માંથી હજારો કરોડનું સામ્રાજ્ય કેવી રીતે ઊભુ કર્યું?
કોકિલાબેનનો ઉલ્લેખ કર્યો
નીતા અંબાણીએ આ દરમિયાન કોકિલાબેનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જામનગર તેમની જન્મભૂમિ રહી છે. તેમના આશીર્વાદના કારણે જ આ બધુ સાકાર થયું છે. અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. ત્યારબાદ રિલાયન્સના સંસ્થાપક ધીરુભાઈ અંબાણીનો ઉલ્લેખ કરતાં નીતા અંબાણીએ કહ્યું કે જામનગર તેમની કર્મભૂમિ રહી છે. ધીરુભાઈના જન્મદિવસ વિશે વાત કરતાં નીતા અંબાણીએ કહ્યું કે તેમના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહેશે.
મુકેશ અંબાણી વિશે શું બોલ્યાં
નીતા અંબાણીએ તેમના પતિ અને રિલાયન્સના માલિક મુકેશ અંબાણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જામનગર તેમના માટે હંમેશા શ્રદ્ધાભૂમિ રહી છે. જેને તેઓ હંમેશા માનતા આપતા આવ્યા છે. ધીરુભાઈ અંબાણીનું સપનું હતું કે વિશ્વની સૌથી મોટી રિફાઈનરીની સ્થાપના કરે અને આ સપનું મુકેશ અંબાણીએ સાકાર કરી બતાવ્યું. ત્યારે અનંત અંબાણી વિશે વાત કરતાં નીતા અંબાણીએ કહ્યું કે જામનગર અનંત માટે સેવાભૂમિ છે. નીતા અંબાણીએ કહ્યું કે જામનગરની ભૂમિ અમારા માટે ફક્ત એક જમીન નથી પણ અમારા પરિવારના વિશ્વાસ અને આશાઓનું ધબકતું હૃદય છે.