
કેન્દ્રએ જણાવ્યું છે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ એટીએમ કેશ વિડ્રોઅલથી મોટાપાયા પર કમાણી કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં SBIને એટીએમ વિડ્રોઅલ ચાર્જ પેટે જ 2043 કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું મનાય છે. તેની તુલનામાં અન્ય નવ જાહેર ક્ષેત્રની બેંકોની એટીએમના મોરચે સંયુક્ત ખોટ 3738.78 કરોડ રૂપિયા છે. સંયુક્ત ધોરણે જોઈએ તો SBI પછી પંજાબ નેશનલ બેંક (PNB) અને કેનેરા બેંક બે જ એવી બેંક છે જેણે એટીએમ રોકડ ઉપાડમાંથી અનુક્રમે 90.33 કરોડ રૂપિયા અને 31.42 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે.
આમ સરકારનું કહેવું છે કે SBIએ જાહેર ક્ષેત્રની અન્ય બેંકોની તુલનાએ એટીએમ રોકડ કમાણીમાં ઘણી સારી કામગીરી દાખવી છે. જાહેર ક્ષેત્રની બેંકોએ એટીએમ વિડ્રોઅલમાંથી કરેલી કમાણી અંગે ગૃહમાં સવાલ પૂછવામાં આવતા નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ ઉપરોક્ત જવાબ આપ્યો હતો.
SBIએ છેલ્લા પાંચ વર્ષમાં એટીએમ રોકડ ઉપાડ પેટે 656 કરોડ રૂપિયા, 228 કરોડ રૂપિયા, 393 કરોડ રૂપિયા, 435 કરોડ રૂપિયા અને 331 કરોડ રૂપિયાની આવક કરી હતી. તેનાથી વિપરીત બેંક ઓફ બરોડાએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અનુક્રમે 70.06 કરોડ રૂપિયા, 137.03 કરોડ રૂપિયા, 184.88 કરોડ રૂપિયા, 220.30 કરોડ રૂપિયા અને 212.08 કરોડ રૂપિયાની ખોટ કરી હતી. આવી જ ખોટ કરવામાં તેના પછીના ક્રમે ઈન્ડિયન બેંક આવે છે. તેણે 41.85 કરોડ રૂપિયા, 89.53 કરોડ રૂપિયા, 151.54 કરોડ રૂપિયા, 161.70 કરોડ રૂપિયા અને 188.75 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી હતી.
ચૌધરીએ જણાવ્યું હતું કે ગ્રાહકને પોતાની બેંકના એટીએમમાંથી દર મહિને પાંચ ટ્રાન્ઝેકશન ફ્રી મળે છે. જ્યારે મેટ્રો શહેરોમાં બીજી બેંકના એટીએમમાં તે ત્રણ ટ્રાન્ઝેક્શન જ વિના મૂલ્યે કરી શકે છે. નોન મેટ્રો શહેરમાં આ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા પાંચ છે. તેના પછી ગ્રાહકે પ્રતિ ટ્રાન્ઝેકશન્સ મહત્તમ 21 રૂપિયા ચૂકવવા પડે છે.
એટીએમ ટ્રાન્ઝેકશન્સ ફીમાં થયો વધારો
પહેલી એપ્રિલથી હવે પાંચ ફ્રી ટ્રાન્ઝેકશન્સ સિવાય એટીએમ ટ્રાન્ઝેકશન્સ કર્યા તો પ્રતિ ટ્રાન્ઝેકશન 19 રૂપિયા ચૂકવવા પડશે. એટીએમ પર બેલેન્સ ચેક કરવાની ફી પણ એક રૂપિયો વધીને 7 રૂપિયા થઈ ગઈ છે.