
શેરબજારમાં આજે કામકાજની શરુઆત લીલા નિશાન સાથે સપાટ લેવલથી થઇ હતી પરંતુ નજીવા ઘટાડા સાથે સેન્સેક્સ નિફ્ટી બંધ રહ્યા હતાં. આજના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી અને સેન્સેક્સમાં ભારે વધઘટ જોવા મળી હતી. સેન્સેક્સ તેના પાછલા બંધ સ્તરથી 191.51 પોઈન્ટ અથવા 0.24% ઘટીને 77,414.92 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 72.61 પોઈન્ટ અથવા 0.31% ઘટીને 23,519.35 પર બંધ થયો.
આજના ટોપ ગેઇનર્સ સ્ટોક્સ
શુક્રવારે ટાટા કન્ઝ્યુમરે નિફ્ટી 50 ઇન્ડેક્સના શેરમાં સૌથી મોટો ઉછાળો નોંધ્યો હતો, જે 2.92%ના ઉછાળા સાથે રૂ. 1002 પર બંધ થયો હતો, જ્યારે કોટક બેન્કનો શેર 2%ના ઉછાળા સાથે રૂ. 2171 પર બંધ થયો હતો.
આજના ટોપ લુઝર્સ સ્ટોક્સ
વિપ્રોના શેર 3.66% ના ઘટાડા સાથે 262.25 પર બંધ થયા, જ્યારે ઇન્ડસઇન્ડ બેંકના શેર 3.52% ના ઘટાડા સાથે 649.85 પર બંધ થયા. સિપ્લાએ 2.75% નો ઘટાડો નોંધાવ્યો અને 1442 ના સ્તરે બંધ થયો. આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 2.46% ઘટીને રૂ. 2666 પર બંધ થયા.
એફએમસીજીમાં તેજી, ઓટો અને આઈટીમાં ઘટાડો
આજના ટ્રેડિંગ સેશન દરમિયાન કન્ઝ્યુમર શેર્સમાં સારી ખરીદી જોવા મળી હતી, જેના કારણે નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 0.59% ના વધારા સાથે 53,590 ના સ્તર પર બંધ થયો હતો. બેન્ક નિફ્ટી 0.02% ના મામૂલી ઘટાડા પછી 51,565 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી ફાર્મા 0.65% ઘટીને 30,282ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી ઓટો 1.03% ઘટીને 21,296ના સ્તરે બંધ થયો હતો અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.76% ઘટીને 36,886ના સ્તરે બંધ થયો હતો.
ટ્રમ્પના ટેરિફ પહેલા રોકાણકારો સાવધ
જણાવી દઈએ કે આગામી સપ્તાહથી એટલે કે 2 એપ્રિલથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા ટેરિફ નિયમોના અમલ પહેલા રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે, જેના કારણે આજે ઓટો અને આઈટી સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી. જો કે, વિદેશી નાણાપ્રવાહ અને સ્થાનિક વૃદ્ધિની પુનઃપ્રાપ્તિ અંગેના આશાવાદને કારણે અનિશ્ચિતતા રહી હતી અને ભારે વધઘટ જોવા મળી હતી.
શુક્રવારના ટ્રેડિંગ સેશન પછી શનિવાર-રવિવારે બજાર બંધ રહેશે. માત્ર શનિવાર અને રવિવાર જ નહીં પરંતુ 31 માર્ચ સોમવારના રોજ પણ શેરબજાર માટે રજા રહેશે. આ રજા ઈદ-ઉલ-ફિત્ર (રમજાન ઈદ) નિમિત્તે બંધ રહેશે. રોકાણકારોને લાંબો વીકએન્ડ મળશે. મંગળવાર, એપ્રિલ 1, 2025 થી કામકાજ સામાન્ય રીતે ફરી શરૂ થશે.