
‘ઝેરોધા’ના સહ-સ્થાપક નિખિલ કામથે તાજેતરમાં સિંગાપોરના ખાન-પાન કલ્ચર વિશે કંઈક એવું કહી દીધું કે જેને લીધે સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ. અભિનેત્રી કરીના કપૂરના ડાયટિશિયન રૂજુતા દિવેકરે કામથના નિવેદન પર આડકતરો પ્રહાર કરતાં મામલો સૌના ધ્યાનમાં આવ્યો છે. ચાલો, જાણીએ કે શું છે આ વિવાદનું કારણ.
નિખિલ કામથે શું કહ્યું?
નાણાકીય સેવાઓ આપતી સ્ટોક બ્રોકર કંપની ‘ઝેરોધા’ના સહ-સ્થાપક નિખિલ કામથ તાજેતરમાં સિંગાપોર જઈ આવ્યા હતા. તેમની સફરના અનુભવો શેર કરતાં તેમણે લખ્યું હતું કે, ‘હું ગયા અઠવાડિયે સિંગાપોરમાં હતો. ત્યાં મળેલા લોકોએ મને કહ્યું કે તેઓ ક્યારેય ઘરે રાંધતા નથી, અમુકના ઘરમાં તો રસોડું જ નથી. લોકો બહાર જઈને રેસ્ટોરન્ટમાં જમી લે છે, અથવા તો પછી બહારથી ફૂડ ઓર્ડર કરીને ઘરે મંગાવી લે છે. જો આવો (બહાર ખાવાનો) ટ્રેન્ડ ભારતમાં પણ આવે તો તે રેસ્ટોરન્ટ બિઝનેસ માટે 'સુવર્ણ યુગ' સાબિત થઈ શકે છે.’
ઋજુતા દિવેકરે વિરોધ કર્યો
આ મુદ્દે કરીના કપૂરના ડાયટિશિયન ઋજુતા દિવેકરે આકરું વલણ દર્શાવ્યું હતું. કોઈનું નામ લીધા વિના તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, ‘શ્રીમંત છોકરાઓની વાતો પર ધ્યાન ન આપો. ઘરનું ભોજન આરોગવું એ તંદુરસ્તી વધારતી આદત છે. એમ કરવાથી શરીર બિમારીઓથી તો બચે જ છે, પણ એનાથી લોકોમાં પ્રેમ વધે છે અને સમાજ પણ મજબૂત થાય છે. તમારી ઉંમર, લિંગ અથવા આવકથી કોઈ ફરક પડતો નથી, તમે રસોઈ બનાવતા શીખો અને નિયમિતપણે રાંધીને ખાવ.’
સોશિયલ મીડિયા પર ચર્ચા જામી
નિખિલ કામથ અને રૂજુતા દિવેકરના આ નિવેદનો પછી સોશિયલ મીડિયા પર આ બાબતે જોરદાર ચર્ચા ચાલી છે. મોટાભાગના લોકોએ દિવેકરના નિવેદનનું સમર્થન કર્યું છે અને કામથની ઝાટકણી કાઢી છે.
કેટલાક યુઝર્સે દલીલ કરી હતી કે, ‘સિંગાપોરની સંસ્કૃતિ ભારત કરતા અલગ છે. ત્યાં સરકાર દ્વારા સંચાલિત 121 જેટલા 'હોકર સેન્ટર' છે, જેમાં 6000 ફૂડ સ્ટોલ છે. ત્યાંના લોકો પરવડે એવા ભાવે પોષણથી ભરપૂર ખોરાક ખાય છે.’
ઘણા યુઝર્સે ભારતમાં આ ટ્રેન્ડ અપનાવવાને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ‘રેસ્ટોરન્ટનું ફૂડ નિયમિતપણે ખાવાથી સ્થૂળતા, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ વધે છે.’
કેટલાક યુઝર્સે કહ્યું હતું કે, ‘ભારતમાં બહાર ખાવું અર્થતંત્ર અને સંસ્કૃતિ બંનેની દૃષ્ટિએ સારું નથી.’ એક યુઝરે લખ્યું હતું કે, ‘ઘરનું ફૂડ ભારતીય સંસ્કૃતિનો મહત્ત્વનો ભાગ છે, અને તે નજીકના ભવિષ્યમાં તો બદલાવાનો નથી.’