
Stock Market: ટ્રમ્પની ધમકી બાદ ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ-નિફ્ટીમાં ભૂકંપ
ભારતીય શેરબજારમાં ઘટાડો થવાનો સીલસીલો યથાવત્ છે. ગત અઠવાડિયાના છેલ્લા દિવસે કારોબારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો, જે બાદ સોમવારે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેંજના 30 શેર્સ ધરાવતો સેન્સેક્સ ખુલતાની સાથે આશરે 700 પોઈન્ટથી વધુ તૂટયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 217 પોઈન્ટ તૂટીને કારોબાર કરી રહ્યો છે. આ દરમિયાન શરૂઆતના ગાળાના કારોબારમાં બીએસઈ લાર્જકેપમાં સામેલ 30માંથી 29 શેર્સ ઘટાડાની સાથે શરૂઆત કરી અને સૌથી વધુ ઘટાડો ઝોમેટોના શેરમાં જોવા મળ્યો હતો. શેરબજારમાં એકવાર ફરીથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ લગાવવાની ધમકીની અસર જોવા મળી છે.
સોમવારે સેન્સેક્સમાં 700 પોઈન્ટનું ગાબડું
બીએસઈનો સેન્સેક્સ ગત બંધ 75,311.06ની સરખામણીમાં સરકીને 74,893.45ના સ્તરે ખુલ્યો અને થોડીવારમાં સરકીને સીધો 74,730ના સ્તરે નજરે આવ્યો. આ ઘટાડો વધતો ગયો અને માત્ર 15 મિનિટના કારોબારમાં સેન્સેક્સ 697.40 અંક અથવા 0.91%ના ઘટાડા સાથે 74,613.38 ના સ્તરે આવી ગયો હતો. જ્યારે બીજી તરફ એનએસઈનો નિફ્ટી પોતાના છેલ્લા બંધ 22,795.90ના સ્તરથી તૂટીને 22,609.35ના સ્તરે ખુલ્યો અને મિનિટોમાં 217 અંક ઘટી 22,578ના સ્તર સુધી ઘટી ગયો હતો.
માર્કેટ ખુલતા આ 10 શેર તૂટયા
સોમવારે શેરબજારમાં આવેલા આ શરૂઆતના ઘટાડાની વચ્ચે લાર્જકેપ કંપનીઓમાં સામેલ ઝોમેટો શેર Zomato Share (2.06%), HCL Tech Share (1.93%), HDFC Bank Share (1.38%), TCS Share (1.34%)અને Infosys Share (1.10%) તૂટીને કારોબાર કરી રહ્યા હતા. બીજી બાજું મિડકેપ કેટેગરીમાં સામેલ Prestige Share (4.14%), IREDA Share (3.25%), Suzlon Share (3.06%) તેમજ RVNL Share (2.79%) સરકીને ટ્રેડ કરી રહ્યા હતા. આ ઉપરાંત સ્મોલ કેપ કેટેગરીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે એકવાર ફરીથી ભારત પર ટેરિફ લાદવાની વાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, તેઓ અમારી પર ટેરિફ લગાવે છે. અમે તેની પર ટેરિફ લગાવીશું. ટ્રમ્પે એવું પણ જણાવ્યું કે, અમેરિકા પણ એટલો ટેરિફ લાદશે જેટલો ભારત અમેરિકી સામાન પર લગાવે છે. તેઓએ ગત અઠવાડિયે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા આ વાત જણાવી હતી.
અગાઉ પણ ઘટાડાના સંકેત મળ્યા
શેરબજારમાં ઘટાડાને લઈ અગાઉથી સંકેત મળી રહ્યા હતા. સોમવારે નિફ્ટી ખુલતાની સાથે 150 પોઈન્ટના ઘટાડાની સાથે કારોબાર કરતો નજરે આવી રહ્યો હતો. આ ઉપરાંત યુએસ માર્કેટમાં પણ ગત શુક્રવારે મોટો ઘટાડો લઈને બંધ થયો હતો. જેની ભારતીય શેરબજારમાં અસરની શક્યતા દર્શાવાઈ હતી. મહત્ત્વનું છે કે, ડાઉઝોન્સ 700 અંકથી સરકીને બંધ થયો હતો. જ્યારે એસએન્ડપીમાં પણ બે ટકા સુધી ઘટાડો જોવા મળ્યો હતો.
( નોંધ: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી)