Home / Business : Sugar production falls to five-year low: Diversion towards ethanol

Business Plus : ખાંડમાં ઉત્પાદન ઘટી પાંચ વર્ષના તળિયે : ઇથેનોલ તરફ ડાયવર્ઝન

Business Plus : ખાંડમાં ઉત્પાદન ઘટી પાંચ વર્ષના તળિયે : ઇથેનોલ તરફ ડાયવર્ઝન

- ઊભી બજારે 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- જોકે આગામી ખાંડ મોસમમાં ઉત્પાદન ફરી વધવાની આશા : દેશમાં ચોમાસાના આરંભ વચ્ચે નવી માંગ ધીમી પડી

દેશમાં ખાંડ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. ચોમાસાની પ્રગતિ વચ્ચે ખાંડ બજારમાં નવી માંગ ધીમી પડી છે. આ પૂર્વે ઉનાળામાં ખાસ કરીને બલ્ક વપરાશકારોની માંગ ખાંડ બજારમાં સારી રહી હતી પરંતુ હવે મોન્સૂનના આગમન વચ્ચે ખાંડની માંગ ધીમી પડયાના વાવડ મળ્યા હતા.  ખાંડમાં બજાર ભાવ જોકે બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા.નવી મુંબઈ જથ્થાબંધ ખાંડ બજારમાં ભાવ કિવ.દીઠ નીચામાં રૂ.૩૮૯૨થી ૩૯૪૨ તથા ઉંચામાં ભાવ રૂ.૩૯૪૨થી ૪૦૩૨ આસપાસ તાજેતરમાં જોવા મળ્યા હતા. 

ખાંડ મોસમ ૨૦૨૪-૨૫માં દેશમાં ખાંડના ઉત્પાદનમાં ખાસ્સી પીછેહટ જોવા મળી હતી તથા ઘરઆંગણે ઉત્પાદન ઘટી આશરે પાંચ વર્ષના તળિયે ઉતરી ગયાના વાવડ મળ્યા હતા. ખાંડ બજારના એનાલીસ્ટોના જણાવ્યા મુજબ ખાંડ મોસમ ૨૦૨૪-૨૫માં વાર્ષિક ધોરણે દેશમાં ખાંડનું ઉત્પાદન આશરે ૧૪થી ૧૫ ટકા ઘટી ૨૯૦થી ૨૯૫ લાખ ટન આસપાસ અંદાજાઈ રહ્યું છે. ૨૦૨૩-૨૪ની  પાછલી ખાંડ મોસમમાં આ આંકડો આશરે ૩૪૦ લાખ ટનનો ગણાયો હતો. ૨૦૨૪-૨૫ની ખાંડ મોસમ ઓકટોબર ૨૦૨૪થી શરૂ થઈ હતી તથા આ વર્ષે ૨૦૨૫ના સપ્ટેમ્બરના અંતે પૂરી થવાની છે. દેશમાં છેલ્લે ૨૦૧૯-૨૦ની ખાંડ  મોસમમાં ઉત્પાદનમાં ખાસ્સી પીછેહટ જોવા મળી હતી અને હવે પાંચ વર્ષ પછી આ વર્ષે ખાંડના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું ખાંડ બજારના જાણકારોએ જણાવ્યું હતું.

આ ઉત્પાદનના આંકડા ખાંડના ઈથેનોલ તરફના ડાઈવર્ઝન પૂર્વેના રહ્યા છે. આ વર્ષે શેરડીની ઓછી રિકવરી તથા શેરડીના પાકને લાગેલી રેડ-રોટની જીવાત વિ.ના કારણે ખાંડના ઉત્પાદનને અસર પડી છે. આ વર્ષે ઈથેનોલ તરફ ખાંડનું ડાઈવર્ઝન આશરે ૩૨થી ૩૩ લાખ ટનનું થવાની શક્યતા જાણકારો બતાવતા હતા. આને ગણતરીમાં લેતાં એકંદરે ખાંડ ઉત્પાદન ૨૬૦થી ૨૬૨ લાખ ટન આસપાસ થવાનો અંદાજ તજજ્ઞાો બતાવી રહ્યા છે. શેરડીના પિલાણમાં આશરે ૧૦થી ૧૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં આશરે દસ લાખ ટન ખાંડની નિકાસ થઈ હતી. ૨૦૨૪-૨૫ની ખાંડ મોસમ જ્યારે ઓક્ટોબર ૨૦૨૪માં શરૂ થઈ હતી ત્યારે દેશમાં ખાંડનો સિલ્લક સ્ટોક સંતોષજનક રહ્યો હતો. જો કે આ વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે વર્તમાન ખાંડ મોસમ પુરી થઈ ત્યારે દેશમાં ખાંડનો સિલ્લક સ્ટોક ઘટી ૫૩થી ૫૫ લાખ ટન જેટલો જ રહેવાની શક્યતા બતાવાઈ રહી છે. આ આંકડો સપ્ટેમ્બર ૨૦૨૪માં આશરે ૭૮ લાખ ટનનો નોંધાયો હતો. આવા માહોલમાં આ વર્ષે ખાંડના ભાવ ઉંચા ગયા છે. ખાંડમાં ઉત્પાદન ખર્ચ પણ વધ્યો છે.

૨૦૨૫-૨૬ માટે સરકારે શેરડીના ભાવ વધાર્યા છે. રાજ્ય સરકારો કેન્દ્રના ભાવ કરતા ઉંચા ભાવ જાહેર કરતી પણ જોવા મળે છે.  ૨૦૨૪-૨૫માં ખાંડ ઉદ્યોગમાં કુલ આવકમાં ઈથેનોલનો હિસ્સો આશરે ૧૮ ટકાનો જોવા મળ્યો હતો. દેશમાં ઈથેનોલ બ્લેન્ડિંગની ટકાવારી વધી ૨૦ ટકા થવાની શક્યતા છે. ઈથેનોલની માંગ વાર્ષિક ધોરણે ૩૦થી ૩૫ ટકાનો ગ્રોથ બતાવી રહી છે. ખાંડ ઉપરાંત મકાઈમાંથી પણ ઈથેનોલ બનતું થયું છે. દેશમાં ૨૦૨૫-૨૬ની આગામી ખાંડ મોસમમાં જોકે ખાંડનું ઉત્પાદન વધુ થવાની શક્યતા હાલના તબક્કે બજારના સૂત્રો બતાવી રહ્યા છે. આ વર્ષે મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ઘટી આશરે ૮૧ લાખ ટન નેોંધાયું છે જે પાછલી મોસમમાં આશરે ૧૧૦ લાખ ટન થયું હતું. દરમિયાન, રિઝર્વ બેન્કે તાજેતરમાં વ્યાજના દરમાં ઘટાડો કરતાં ખાંડ મિલોને તેટલા પ્રમાણમાં રાહત થયાનું  જાણકારોએ જણાવ્યું હતું. જુલાઈ મહિના માટે સરકારે મિલો માટે ખાંડનો મુક્ત વેચાંણનો ક્વોટા બાવીસ લાખ ટન છૂટો કરવાનો નિર્ણય કર્યાના સમાચાર તાજેતરમાં મળ્યા હતા.

- દિલીપ શાહ

 

Related News

Icon