
વૈશ્વિક બજારોમાં ઉછાળા વચ્ચે ગુરુવારે (30 જાન્યુઆરી) માસિક એક્સપાયરીનાં દિવસે સ્થાનિક શેરબજારો સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં ઊંચા સ્તરે બંધ રહ્યા હતા. સરકારી પીએસયુ કંપનીઓ અને બજાજ ફાઇનાન્સના શેરમાં ઉછાળાને કારણે બજાર લીલા રંગમાં પાછું ફર્યું. જો કે, ટાટા મોટર્સના ઘટાડાએ બજારના સુધારાને મર્યાદિત કરી નાંખ્યો હતો.
ગુરુવારે (30 જાન્યુઆરી) 30 શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ 76,598 પોઈન્ટ પર નજીવા વધારા સાથે ખુલ્યો હતો. જોકે, તે ખોલતાની સાથે જ તે લાલ રંગમાં સરકી ગયો હતો. બાદમાં સેન્સેક્સે પુનરાગમન કર્યું હતું. અંતે તે 226.85 પોઈન્ટ અથવા 0.30% વધીને 76,759.81 પર બંધ રહ્યો હતો.
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી 50 ખરાબ શરૂઆત બાદ લીલા રંગમાં પાછો ફર્યો. જોકે, ટ્રેડિંગ દરમિયાન તે ઘટીને 23,139 પોઈન્ટ પર આવી ગયો હતો. અંતે નિફ્ટી 86.40 પોઈન્ટ અથવા 0.37%ના વધારા સાથે 23,249.50 પર બંધ થયો.
ફેડ રિઝર્વે વ્યાજ દરોમાં ફેરફાર ન કર્યા
અમેરીકી ફેડરલ રિઝર્વે બુધવારે પોતાના વ્યાજ દરોને યથાવત રાખ્યા. તાજેતરમાં, વ્યાજ દરમાં ઘટાડાનો સિલસિલો રોકીને ફેડએ નિર્ણય લીધો કે આર્થિક અને રાજકીય સંજોગોને ધ્યાનમાં રાખીને આગળનાં પગલાં લેવામાં આવશે. ફેડની ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી) એ અપેક્ષાઓ અનુસાર તેના વ્યાજ દરોને 4.25% અને 4.5% ની વચ્ચે સ્થિર રાખ્યા હતા.
બુધવારે બજારની ચાલ કેવી રહી?
બુધવારે (29 જાન્યુઆરી) 30 શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ 631.55 પોઈન્ટ અથવા 0.83% વધીને 76,532.96 પર જ્યારે નિફ્ટી 205.85 પોઈન્ટ અથવા 0.90% વધીને 23,163.10 પર બંધ થયો હતો.
શેરબજારમાં ઉછાળાનું કારણ?
1. સરકારી પીએસયુ કંપનીઓ અને બજાજ ફાઇનાન્સના શેરમાં વધારાને કારણે બજારને સપોર્ટ મળ્યો. જો કે, હેવીવેઇટ ટાટા મોટર્સના ઇન્ડેક્સમાં ઘટાડો થતાં બજારની તેજી સિમિત માત્રામાં રહી હતી.
2. આ સિવાય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક અને ભારતી એરટેલના શેરના વધારાએ બજારના ઉછાળાને ટેકો આપ્યો હતો.
3. ઉપરાંત, આજે વૈશ્વિક બજારોમાં મજબૂતી જોવા મળી હતી અને તેની અસર સ્થાનિક શેરબજાર પર પણ જોવા મળી હતી.