
સોનામાં વધતા ભાવની તેજ રફતાર હવે ધીમી પડી રહી છે. એપ્રિલ 2025માં સોનાના ભાવ $3,500 પ્રતિ ઔંસના રેકોર્ડની ઉંચાઈએ સ્પર્શ્યા પછી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં સોનાનો ભાવ $3,250 પર ટ્રેડ થઈ રહ્યો છે, જે ઓલ ટાઈમ હાઈથી લગભગ 250 ડોલર અથવા 7 ટકા ઓછો છે. છેલ્લા 9 મહિનામાં સોનામાં લગભગ 50 ટકાનો વધારો જોવા મળ્યો છે, પરંતુ હવે રોકાણકારો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ તેજી હવે બંધ થઈ ગઈ છે?
સોના-ચાંદી અને સોનુ-પ્લેટિનમ રેશિયો
એક રિપોર્ટ પ્રમાણે Gold/Silver રેશિયો હાલમાં 100:1 પર પહોંચી ગયો છે, એટલે કે એક ઔંસ સોનું ખરીદવા માટે 100 ઔંસ ચાંદીની જરૂર પડે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ આ રેશિયો 70:1 ની નજીક રહ્યો છે. એટલે તેનો અર્થ એ થયો કે કાં તો સોનું સસ્તું થશે અથવા ચાંદી મોંઘી થશે. એજ પ્રમાણે Gold/Platinum Ratio પણ છેલ્લા બે દાયકામાં 1 અને 2 ની વચ્ચે રહ્યો છે, પરંતુ હાલમાં તે 3.5 પર છે. એટલે તેનો અર્થ એ થયો કે સોનાની વેલ્યુ વધારે પડતી બતાવવામાં આવી છે અને તેમાં થોડું કરેક્શન આવી શકે છે.
2022-23 ના ભૂ-રાજકીય તણાવ તેમજ કેન્દ્રીય બેંકો દ્વારા ભારે ખરીદી અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે સોનાની ડિમાન્ડમાં વધારો થયો. પરંતુ 2025 માં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા ટેરિફ કારણે ફેબ્રુઆરી 2025 પછી સોનામાં વધુ તેજી આવી. પરંતુ હવે ટ્રમ્પનું વલણ નરમ પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર વાટાઘાટોની પણ સંભાવના છે. જેથી રોકાણકારોએ સોનામાંથી પૈસા પાછા ખેંચીને ઇક્વિટી અને ઈન્ડસ્ટ્રિયલ કોમોડિટીઝ તરફ વળ્યા છે.
ડોલરની મજબૂતાઈ પણ કારણભૂત
તાજેતરમા જ US Dollar Index 100ને પાર કરી ગયો છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી હાઈ છે. સામાન્ય રીતે જ્યારે ડોલર મજબૂત થાય છે, ત્યારે તેની સોનાના ભાવ પર નકારાત્મક અસર પડે છે. એ જ કારણે સોનામાં તાજેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
શું સોનું ફરી ચમકશે?
જો કે ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે, પરંતુ જો વૈશ્વિક અનિશ્ચિતતા ફરી ઉભરી શકે છે, જેમ કે મંદી, ટ્રેડ વોર અથવા યુએસ ફેડરલ દેવામાં સંકટ, તો સોનાના ભાવ ફરી વધી શકે છે. એક માહિતી પ્રમાણે હાલમાં અમેરિકા પર $36 ટ્રિલિયનનું દેવું છે, અને જો ફેડરલ રિઝર્વ વ્યાજ દર ઘટાડવામાં આવે તો તેના કારણે સોનાને ટેકો મળે છે. US GDPમાં ઘટાડો (-0.3 ટકા), ગ્રાહક વિશ્વાસમાં ઘટાડો અને જૂનમાં વ્યાજ દરમાં સંભવિત ઘટાડો થઈ શકે છે. આ બધા પરિબળો સોનાના પક્ષમાં જઈ શકે છે.