
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પૂર્વે જાહેર કરાયેલા એક અહેવાલ મુજબ 2024માં એક્ટિવ લોન લેનાર ઋણધારકોની સંખ્યામાં મહિલાઓ પુરૂષની તુલનામાં આગળ રહી છે. ક્રેડિટ ઈન્ફર્મેશન કંપની સીઆરઆઈએફ હાઈ માર્કના એક અહેવાલ મુજબ મહિલાઓએ માત્ર લોન લેવામાં જ નહીં, પરંતુ લોન ચૂકવણીમાં પણ પુરૂષો કરતાં સારો દેખાવ કર્યો છે.
રિપોર્ટ અનુસાર ડિસેમ્બર, 2024 સુધીમાં એક્ટિવ મહિલા લોન લેનારની સંખ્યા 10.8 ટકા વધીને 8.3 કરોડ થઈ ગઈ છે જ્યારે પુરૂષ વર્ગમાં આ વૃદ્ધિ માત્ર 6.5 ટકા હતી. અહેવાલમાં જણાવાયું છે કે મોટાભાગની લોન કેટેગરીઓમાં મહિલાઓએ ચૂકવણીમાં સારો વ્યવહાર દર્શાવ્યો હતો. ગોલ્ડ લોન અને ટુ-વ્હીલર લોન સિવાય તમામ કેટેગરીમાં મહિલાઓનું રીપેમેન્ટ પુરૂષો કરતાં સારું હતું. 2024માં હોમ લોન, વ્યવસાય લોન, કૃષિ અને ટ્રેક્ટર લોન, મિલકત લોન અને શિક્ષણ લોનમાં મહિલાઓની ચૂકવણી ક્ષમતામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત કન્ઝયુમર ડયુરેબલ લોનના સંદર્ભમાં પણ મહિલાઓએ પુરૂષો કરતાં વધુ સારું પ્રદર્શન કરીને સૌને ચોંકાવ્યા છે.
રિપોર્ટ અનુસાર સરકારી બેંકોએ 2024માં મહિલાઓને લોન આપવામાં વધુ રસ દાખવ્યો છે. મહિલા લોનધારકોનો બાકી લોન પોર્ટફોલિયો 18 ટકા વધીને 36.5 લાખ કરોડ રૂપિયા થયો છે. જોકે કુલ દેવાદારોમાં મહિલાઓનો હિસ્સો 24 ટકા પર સ્થિર રહ્યો છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, 35 વર્ષ અને તેથી ઓછી ઉંમરની મહિલાઓનો હિસ્સો લોન લેનારાઓમાં સૌથી વધુ છે. જોકે કુલ લોનમાં મહિલાઓનો હિસ્સો 2022ના 44.3 ટકાથી ઘટીને 2024માં 43.8 ટકા થયો છે. રાજ્ય પ્રમાણે સરખામણીએ કરીએ તો કામગીરીમાં મહારાષ્ટ્ર મોખરે હતું. હોમ લોન, બિઝનેસ લોન, મિલકત લોન, ઓટો લોન, ક્રેડિટ કાર્ડ અને શિક્ષણ લોનમાં મહિલાઓની કેટેગરીમાં મહારાષ્ટ્ર ટોચ પર છે.