એક તરફ અમદાવાદમાં પ્લેન ક્રેશની દુખદ ઘટના બની છે તો બીજી તરફ ભાજપના મંત્રીએ આ સંવેદનશીલ પરિસ્થિતિનો ઉપયોગ કરી ડંફાસો મારી હતી. ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી ભિખુસિંહ પરમારે પોતાના કાર્યકરોએ 200 મૃતદેહ કાઢ્યા હોવાનો જશ ખાંટ્યો હતો. તેમજ રાજ્યમંત્રીના આ નિવેદન બાદ તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો ભાજપ કાર્યકરે 200 મૃતદેહ કાઢ્યા હોય તો તંત્ર તે સમયે શું કામગીરી કરી રહ્યું હતું?
આ સંવેદનશીલ પરિસ્થિતિમાં પ્રશાસન સહિત અસંખ્ય લોકોએ માનવતા દાખવી ફરજ બજાવી હતી. પરંતુ અરવલ્લી ભાજપ નેતા ભિખુસિંહ પરમાર આ કપરી અને દુ:ખદ પરિસ્થિતિમાં પણ પોતાનો જશ ખાંટવાનું ચૂક્યા નહીં. નિવેદન આપતાં ભિખુસિંહે જણાવ્યું હતું કે, અરવલ્લી ભાજપ યુવા મોરચા પ્રમુખ અમીષ પટેલે ઘટનાસ્થળ પર 200 જેટલી ડેડબોડી ખસેડવાની સરાહનીય કામગીરી કરી હતી. તેમ કહી મંત્રી ભિખુસિંહે પોતાના અરવલ્લી જીલ્લાના કાર્યકર વિશે ડંફાસ મારી હતી.
અમીષ પટેલ BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના NGOમાં ટ્રસ્ટી હતો
જણાવી દઈએ કે, આ જે અરવલ્લી ભાજપ યુવા મોરચા પ્રમુખ અમીષ પટેલની વાત કરે છે તે BZ કૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલાના NGOમાં ટ્રસ્ટી હતો. કેબિનેટ મંત્રી ભીખુસિંહ પરમારનો પુત્ર કિરણ પણ તેમાં ટ્રસ્ટી હતો. અમીષ અને કિરણ બંનેનું તાજેતરમાં જ અપહરણ અને મારામારી કેસમાં નામ આવ્યું હતું.