ફ્રાન્સના કાન્સ શહેરમાં 13 થી 24 મે દરમિયાન 78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં ભારતીય ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયાની ફિલ્મ 'ઓલ વી ઇમેજિન એઝ લાઈટ' પ્રતિષ્ઠિત પામ ડી'ઓર કેટેગરીમાં બતાવવામાં આવી હતી. 30 વર્ષ પછી કોઈ ભારતીય ફિલ્મ આ કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. આ ઉપરાંત આ ફિલ્મે ગયા વર્ષે ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ પણ જીત્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે છેલ્લા કેટલાક વર્ષોમાં કાન્સમાં ઘણી ભારતીય ફિલ્મોનું પ્રીમિયર થયું છે? 1946માં કાન્સની સ્થાપના થઈ ત્યારથી જ ભારતીય ફિલ્મોનું પ્રીમિયર કાન્સમાં થવાનું શરૂ થયું હતું. કાન્સમાં દેખાડવામાં આવેલી પહેલી ભારતીય ફિલ્મ 'નીચા નગર' હતી. દિગ્દર્શક ચેતન આનંદની ફિલ્મ 'નીચા નગર' પહેલી વાર કાન્સમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ફિલ્મને 'ગ્રાન્ડ પ્રિકસ ડુ ફેસ્ટિવલ ઇન્ટરનેશનલ ડુ ફિલ્મ' એવોર્ડ મળ્યો હતો. તમને જણાવી દઈએ કે ગ્રાન્ડ પ્રિકસ ફેસ્ટિવલ જ્યુરી દ્વારા સ્પર્ધાત્મક ફીચર ફિલ્મોમાંથી એકને આપવામાં આવે છે.

