
એક તરફ જ્યાં ભારતમાં કેટલાક લોકો અઠવાડિયામાં 70થી 90 કલાક કામ કરવાની સલાહ આપી રહ્યા છે તો બીજી તરફ યુકેની 200 કંપનીઓએ એક મોટો નિર્યણ લીધો છે. આ નિર્ણયથી કર્મચારીઓની ખુશીનો કોઈ પાર નથી રહ્યો. એક અહેવાલ પ્રમાણે યુનાઈટેડ કિંગડમમાં એક ઐતિહાસિક નિર્ણય લેતા ઓછામાં ઓછી 200 બ્રિટિશ કંપનીઓએ પોતાના કર્મચારીઓ માટે સેલેરીમાં ઘટાડો કર્યા વિના અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરવાનો નિર્ણય લાગુ કરી દીધો છે. આ પરિવર્તન 4 ડે વીક ફાઉન્ડેશન દ્વારા સમર્થિત છે અને તેમાં માર્કેટિંગ, ટેકનોલોજી, ચેરિટી અને આઈટી સેક્ટરની કંપનીઓની ભાગીદારી વધારે છે.
આ પણ વાંચો: UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા માટે અરજી પ્રક્રિયામાં નિયમો બદલાયા, જુઓ શું છે નવા નિયમો
4 ડે વર્કિંગ પેટર્નને સમર્થન કરનારાઓનું માનવું છે કે, 5 ડે વર્કિંગ પેટર્ન જૂના આર્થિક યુગમાંથી વારસામાં મળી છે અને તેને બદલવાની જરૂર છે. 4 ડે વીક ફાઉન્ડેશનના અભિયાન નિર્દેશક જો રાયલે જણાવ્યું કે, 9-5ની વર્કિંગ પેટર્ન 100 વર્ષ પહેલાં બની હતી અને હવે તે આધુનિક સમય માટે યોગ્ય નથી. અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવાથી કર્મચારીઓને વધુ ખાલી સમય અને વધુ સારું જીવન જીવવાની સ્વતંત્રતા મળશે. આ સાથે જ ક્લાઈન્ટ માટે પણ પ્રોડક્શન વધારવા અને કર્મચારીઓને આકર્ષવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે.
કઈ-કઈ કંપનીઓ કરી રહી છે ફેરફાર
આ પગલું સૌથી પહેલા માર્કેટિંગ, જાહેરાત અને પ્રેસ રિલેશન સાથે સંબંધિત 30 કંપનીઓએ ઉઠાવ્યું છે. ત્યારબાદ ટેકનોલોજી, આઈટી અને સોફ્ટવેર કંપનીઓએ પણ તેને અપનાવ્યું. અત્યાર સુધીમાં કુલ 200 કંપનીઓએ ચાર દિવસ કામ કરવાના નિયમને લાગુ કરી ચૂકી છે, જેમાં લંડનની 59 કંપનીઓનું નેતૃત્વ છે.
કોવિડ-19 બાદ વર્ક કલ્ચરમાં ફેરફાર
કોરોના મહામારી દરમિયાન ઘરેથી કામ કરવાની પેટર્ને ઘણા કર્મચારીઓને પરંપરાગત કાર્ય માળખાથી અલગ કરી દીધા છે. જ્યારે અનેક અમેરિકન કંપનીઓ જેમ કે, જેપી મોર્ગન ચેસ અને એમેઝોને કર્મચારીઓને અઠવાડિયામાં પાંચ દિવસ ઓફિસ આવવાનો આદેશ આપ્યો તો તેનો વિરોધ થયો હતો. ઘણા કર્મચારીઓએ આ આદેશનો વિરોધ કર્યો અને ઘરેથી કામ કરવાનો અધિકાર આપવાની માંગ કરી હતી.
4 ડે વીક કામ કરવામાં વધતી રુચિ
લેબર પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ પણ આ પગલાને સમર્થન આપ્યું છે, જોકે આ પાર્ટીની સત્તાવાર નીતિ નથી. એક સર્વે પ્રમાણે 18થી 34 વર્ષની વયના લોકો અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવાના નિયમને વધુ યોગ્ય માને છે. તેમાં લગભગ 78% યુવાનો માને છે કે આગામી પાંચ વર્ષમાં આ આદર્શ બની જશે.
અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાના ફાયદા
સ્પાર્ક માર્કેટ રિસર્ચના એક સર્વે પ્રમાણે યુવાનોનું કહેવું છે કે, માનસિક સ્વાસ્થ્ય અને સમગ્ર કલ્યાણ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને 4 ડે વીક અમારા જીવનની ગુણવત્તા સુધારવા માટે એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે.