
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં કામ કરવા માંગતા ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે 2027 બેચ માટે ખાલી જગ્યાઓનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. અરજી પ્રક્રિયા 8 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 23 જુલાઈ 11:30 વાગ્યે અથવા તે પહેલાં કોસ્ટ ગાર્ડની સત્તાવાર વેબસાઈટ, joinindiancoastguard.cdac.in પર જઈને અરજી કરી શકે છે.
2027 બેચ માટે કુલ 170 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યાઓમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ - જનરલ ડ્યુટી અને ટેકનિકલ (એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રોનિક્સ) ની જગ્યાઓ શામેલ છે. ચાલો તમને આ ભરતી અંગેની વિગતો જણાવી દઈએ.
કોણ કરી શકશે અરજી?
સત્તાવાર નોટિફિકેશન અનુસાર, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ જીડી પદો માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ. જ્યારે ટેકનિકલ (મિકેનિકલ/ઈલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનિક્સ) માટે, અરજદાર પાસે નેવલ આર્કિટેક્ચર/મિકેનિકલ/મરીન/ઓટોમોટિવ/મેકાટ્રોનિક્સમાં એન્જિનિયરિંગ ડિગ્રી હોવી જોઈએ. અરજી કરનાર ઉમેદવારની ઉંમર 21 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજદારની ઉંમર 1 જુલાઈ 2026થી ગણવામાં આવશે.
અરજી પ્રક્રિયા
- કોસ્ટ ગાર્ડની સત્તાવાર વેબસાઈટ joinindiancoastguard.cdac.in પર જાઓ.
- હવે નોટિફિકેશન વાંચો અને નિયમો અનુસાર અરજી કરો.
- ફોર્મ ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ફોર્મ ચેક કરીને સબમિટ કરો.
- ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મની પ્રિન્ટઆઉટ કાઢી લો.
પસંદગી પ્રક્રિયા અને સેલેરી
આસિસ્ટન્ટ કમાન્ડન્ટની પસંદગી અખિલ ભારતીય સ્તરે મેરિટ લિસ્ટના આધારે થાય છે, જે પરીક્ષાના વિવિધ તબક્કા (I-V) માં ઉમેદવારોના પ્રદર્શન પર આધારિત હોય છે. તબક્કો I કોસ્ટ ગાર્ડ કોમન એન્ટ્રન્સ એક્ઝામિનેશન છે, તબક્કો II પ્રિલિમિનરી સિલેક્શન બોર્ડ છે, તબક્કો III FSB છે, તબક્કો IV મેડિકલ એક્ઝામિનેશન છે અને તબક્કો V પ્રવેશ પરીક્ષા છે.
આસિસ્ટન્ટ કમાન્ડન્ટ જીડીના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને પે લેવલ 10 હેઠળ દર મહિને 56,100 રૂપિયાની બેસિક સેલેરી મળશે. ભરતી અંગે વધુ વિગતો જાણવા માટે ઉમેદવારો જારી કરાયેલ સત્તાવાર નોટિફિકેશન વાંચી શકે છે.