
મેડિકલ ક્ષેત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ લેવાનું સ્વપ્ન જોતા ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સ (NBEMS) એ NEET PG 2025 પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આ પરીક્ષા 15 જૂન 2025 (રવિવાર) ના રોજ લેવામાં આવશે. NEET PG પરીક્ષા બે શિફ્ટમાં કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે.
NEET PG પરીક્ષાની તારીખ અંગે ઉમેદવારોમાં ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. હવે NBEMS દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પરીક્ષા 15 જૂને દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર બે શિફ્ટમાં લેવામાં આવશે. પહેલી શિફ્ટ સવારે 9:00થી બપોરે 12:30 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 3:30થી સાંજે 7:00 વાગ્યા સુધી હશે. આ પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ ભાગ લેશે. NBEMS ટૂંક સમયમાં પરીક્ષા સંબંધિત સત્તાવાર માહિતી બુલેટિન બહાર પાડશે જેમાં રજીસ્ટ્રેશનની તારીખ, પાત્રતા, અરજી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન જેવી વિગતો હશે.
શા માટે મહત્ત્વપૂર્ણ છે આ પરીક્ષા?
દેશભરમાં MD (ડોક્ટર ઓફ મેડિસિન), MS (માસ્ટર ઓફ સર્જરી) અને PG ડિપ્લોમા જેવા પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્ષમાં પ્રવેશ માટે NEET PG પરીક્ષા ફરજિયાત છે. આ પરીક્ષા દર વર્ષે હજારો મેડિકલ ગ્રેજ્યુએટના કારકિર્દીને દિશા આપવાનું માધ્યમ બને છે.
કોર્સ અને પેટર્ન શું હશે?
NEET PG 2025 નો કોર્સ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (MCI) હેઠળ નિર્ધારિત ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન્સ પર આધારિત હશે. આમાં એનાટોમી, ફિઝિયોલોજી, બાયોકેમિસ્ટ્રી, પેથોલોજી, ફાર્માકોલોજી, માઇક્રોબાયોલોજી, મેડિસિન, સર્જરી, ગાયનેકોલોજી, પીડિયાટ્રિક્સ, ડર્મેટોલોજી, રેડિયોલોજી અને ઓર્થોપેડિક્સ જેવા વિષયોનો સમાવેશ થશે.
પરિણામ પછી કાઉન્સેલિંગ પ્રક્રિયા
પરીક્ષા પછી, 50 ટકા ઓલ ઈન્ડિયા ક્વોટા (AIQ) સીટ માટે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) દ્વારા કાઉન્સેલિંગ હાથ ધરવામાં આવશે. બાકીની 50 ટકા સીટ માટે સંબંધિત રાજ્યોના કાઉન્સેલિંગ અધિકારીઓ દ્વારા કાઉન્સેલિંગ હાથ ધરવામાં આવશે. ઉમેદવારો વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઈટની મદદ લઈ શકે છે.