
12મા ધોરણની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કર્યા પછી, દરેક વિદ્યાર્થીનો એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન હોય છે અને તે છે કે આગળ શું કરવું? આ માટે, ઘણીવાર વિદ્યાર્થીઓ અને વાલીઓનું ધ્યાન પરંપરાગત અંડરગ્રેજ્યુએટ ડિગ્રી જેમ કે BA, BSc અથવા BCom તરફ જાય છે. જોકે, આજના ઝડપથી બદલાતા યુગમાં, ઘણા ખાસ કોર્સ ઉપલબ્ધ છે, જે તમે 12મા ધોરણ પછી કરી શકો છો અને એક શાનદાર કારકિર્દી બનાવી શકો છો. તે કમાણીની દૃષ્ટિએ ઘણી પરંપરાગત ડિગ્રીઓને પાછળ છોડી શકે છે.
આ કોર્સ વર્તમાન ઉદ્યોગની માંગ, તકનીકી પ્રગતિ અને ભવિષ્યની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવે છે. આમાંના કેટલાક કોર્સ તમને તરત જ નોકરી અપાવી શકે છે, જ્યારે કેટલાક તમને ઉચ્ચ હોદ્દા સુધી પહોંચવાની તક આપે છે. તો ચાલો જાણીએ તે 5 ખાસ કોર્સ વિશે જે 12મા ધોરણ પછી તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે.
ડિજિટલ માર્કેટિંગ
આજના ડિજિટલ યુગમાં, દરેક બિઝનેસ તેની ઓનલાઈન હાજરીને મજબૂત બનાવવા માંગે છે. આ જ કારણ છે કે ડિજિટલ માર્કેટિંગમાં પ્રોફેશનલ્સની માંગ ઝડપથી વધી રહી છે. આ કોર્સમાં, તમે સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન (SEO), સોશિયલ મીડિયા માર્કેટિંગ, કન્ટેન્ટ માર્કેટિંગ, ઈમેઇલ માર્કેટિંગ, પે-પર-ક્લિક (PPC) એડવર્ટાઈઝિંગ અને વેબ એનાલિટિક્સ જેવી મહત્ત્વપૂર્ણ સ્કિલ્સ શીખો છો. દરેક નાના અને મોટા બિઝનેસ તેમના પ્રોડક્ટ્સ અને સર્વિસનો ઓનલાઈન પ્રચાર કરવા માંગે છે, જેના કારણે ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટની હંમેશા માંગ રહે છે. આમાં ફ્રીલાન્સિંગ માટે પણ મોટી તકો છે. આ હેઠળ, વ્યક્તિ શરૂઆતમાં પણ દર મહિને 25,000થી 40,000 રૂપિયા કમાઈ શકે છે. જેમ જેમ અનુભવ વધતો જશે તેમ તેમ આ આંકડો વધી શકે છે.
વેબ ડેવલપમેન્ટ
ઈન્ટરનેટ આજે આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયું છે અને વેબસાઈટ્સ બિઝનેસ અને વ્યક્તિઓ માટે ઓનલાઈન ઓળખનો મુખ્ય સોર્સ છે. વેબ ડેવલપમેન્ટ કોર્સ તમને વેબસાઈટ ડિઝાઇન, ડેવલપ અને જાળવણી કેવી રીતે કરવી તે શીખવે છે. આમાં ફ્રન્ટ-એન્ડ ડેવલપમેન્ટ (HTML, CSS, JavaScript) અને બેક-એન્ડ ડેવલપમેન્ટ (PHP, Python, Node.js) બંનેનો સમાવેશ થઈ શકે છે. ઈ-કોમર્સ અને ઓનલાઈન સેવાઓના વધતા વલણને કારણે વેબ ડેવલપર્સની માંગ ક્યારેય ઓછી નથી થતી. ટેકનિકલ ક્ષેત્રમાં રસ ધરાવતા લોકો માટે આ એક શ્રેષ્ઠ કારકિર્દી વિકલ્પ છે. શરૂઆતમાં વ્યક્તિ સરળતાથી દર મહિને 20,000થી 35,000 રૂપિયા અને થોડા વર્ષોના અનુભવ પછી 50,000 રૂપિયાથી વધુ કમાણી કરી શકે છે.
ગ્રાફિક ડિઝાઈનિંગ
દરેક કંપનીને તેમના બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને જાહેરાત માટે આકર્ષક વિઝ્યુઅલ્સની જરૂર હોય છે. ગ્રાફિક ડિઝાઈનિંગ કોર્સ તમને લોગો, બ્રોશર્સ, પોસ્ટર્સ, વેબસાઈટ લેઆઉટ અને અન્ય વિઝ્યુઅલ કન્ટેન્ટ બનાવવાનું શીખવે છે. આમાં તમે કલર થીયરી, ટાઈપોગ્રાફી અને ડિઝાઇઈ સોફ્ટવેર (જેમ કે એડોબ ફોટોશોપ, ઇલસ્ટ્રેટર) નો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખો છો. ક્રિએટિવિટીમાં રસ ધરાવતા લોકો માટે આ એક ઉત્તમ ક્ષેત્ર છે. ડિજિટલ મીડિયાના વિસ્તરણ સાથે, ગ્રાફિક ડિઝાઈનર્સની માંગ સતત વધી રહી છે. શરૂઆતમાં દર મહિને 15,000થી 30,000 રૂપિયા અને અનુભવ સાથે 40,000 રૂપિયાથી વધુ કમાણી કરી શકાય છે. ફ્રીલાન્સિંગ દ્વારા પણ સારા પૈસા કમાઈ શકાય છે.
એનિમેશન અને મલ્ટીમીડિયા
મનોરંજન, શિક્ષણ અને જાહેરાત જેવા વિવિધ ઉદ્યોગોમાં એનિમેશન અને મલ્ટીમીડિયાનું ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે. આ કોર્ષમાં તમે 2D અને 3D એનિમેશન, વીડિયો એડિટિંગ, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) અને ગેમ ડિઝાઈનિંગ જેવી સ્કિલ્સ શીખો છો. આ એક રોમાંચક અને ક્રિએટિવ ક્ષેત્ર છે જેમાં કારકિર્દીના ઘણા વિકલ્પો છે. ફિલ્મો, ટેલિવિઝન, ગેમિંગ અને જાહેરાત ઉદ્યોગોમાં સ્કિલ્ડ પ્રોફેશનલ્સની હંમેશા માંગ રહે છે. શરૂઆતના સ્તરે, વ્યક્તિ દર મહિને 20,000થી 35,000 રૂપિયા કમાણી કરી શકે છે અને વધતા અનુભવ સાથે, વ્યક્તિ 50,000થી લઈને લાખો રૂપિયા સુધી કમાણી કરી શકે છે.
એર હોસ્ટેસ/કેબિન ક્રૂ
જો તમને મુસાફરી કરવાનો અને લોકોને મળવાનો શોખ હોય, તો એર હોસ્ટેસ/કેબિન ક્રૂની કારકિર્દી તમારા માટે એક શ્રેષ્ઠ પસંદગી હોઈ શકે છે. આ કોર્ષમાં તમને મુસાફરોની સલામતી, આરામ અને સેવા સંબંધિત ટ્રેનિંગ આપવામાં આવે છે. આ એક ગ્લેમરસ કારકિર્દી છે જેમાં તમને દેશ અને વિદેશમાં મુસાફરી કરવાની તક મળે છે. સારી કોમ્યુનિકેશન સ્કિલ અને કસ્ટમર સર્વિસ સ્કિલ ધરાવતા લોકો માટે આ એક શ્રેષ્ઠ તક છે. શરૂઆતમાં દર મહિને 25,000થી 50,000 રૂપિયાની કમાણી અને અનુભવ સાથે આ આંકડો નોંધપાત્ર રીતે વધી શકે છે. આ ઉપરાંત, તમને મુસાફરી અને રોકાણ દરમિયાન વિવિધ ભથ્થાં પણ મળે છે.