
સાયકોલોજી ખૂબ જ રોમાંચક ક્ષેત્ર છે. આમાં લોકોની વિચારસરણી અને તેમના વર્તનને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે. સાથે જ તેમના માનસિક સ્વાસ્થ્ય સંઘર્ષને ઠીક કરવામાં પણ સક્રિય ભૂમિકા ભજવવામાં આવે છે. આ ક્ષેત્ર ખૂબ જ વર્સેટાઈલ છે, જેમાં તમે ક્લિનિકલ સાયકોલોજિસ્ટથી લઈને સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ સુધીના ઘણા પ્રકારના ક્ષેત્રો પસંદ કરી શકો છો અને તમારી કારકિર્દીને આગળ વધારી શકો છો.
આ પણ વાંચો: માત્ર પ્રોફેસર કે ટીચર જ નહીં, પીએચડી થયા પછી તમે આ ક્ષેત્રોમાં પણ બનાવી શકો છો કારકિર્દી
તમે તમારી પસંદગીઓના આધારે આ ક્ષેત્રમાં પ્રગતિ કરી શકો છો. ભલે તમે લોકો સાથે કામ કરવાનું, રિસર્ચ કરવાનું અથવા એથ્લેટ્સને તેમના શ્રેષ્ઠ પ્રદર્શનમાં મદદ કરવાનું પસંદ કરતા હોવ, તમારી પાસે સાયકોલોજીના ક્ષેત્રમાં વિકલ્પોની કોઈ કમી નથી. જો અત્યારે તમે સાયકોલોજીના ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધવું તે અંગે મૂંઝવણમાં છો, તો આજે આ લેખમાં અમે તમને કારકિર્દીના કેટલાક સારા વિકલ્પો વિશે જણાવી રહ્યા છીએ.
ક્લિનિકલ સાયકોલોજિસ્ટ
ક્લિનિકલ સાયકોલોજિસ્ટ મુખ્યત્વે લોકોની માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ સુધારવા પર કામ કરે છે. તેઓ તણાવથી લઈને સ્કિઝોફ્રેનિયા સુધીની ગંભીર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે. તેઓ પોતાનું ક્લિનિક ખોલી શકે છે અથવા હોસ્પિટલોમાં તેમની સેવાઓ પૂરી પાડી શકે છે. જો તમે લોકોને મદદ કરવાનું પસંદ કરો છો, તો તમે ક્લિનિકલ સાયકોલોજિસ્ટ તરીકે તમારું ભવિષ્ય જોઈ શકો છો.
સ્કૂલ સાયકોલોજિસ્ટ
જો તમે બાળકો સાથે કામ કરવાનું પસંદ કરો છો, તો સ્કૂલ સાયકોલોજિસ્ટ કારકિર્દીનો સારો વિકલ્પ બની શકે છે. સ્કૂલ સાયકોલોજિસ્ટ લાઈસન્સ પ્રાપ્ત મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ છે જેઓ બાળકો, શિક્ષકો અને માતા-પિતાની શૈક્ષણિક, સામાજિક અને ભાવનાત્મક જરૂરિયાતોને સમજે છે અને મદદ કરે છે. તેઓ બાળકોના ગ્રોથને સપોર્ટ કરવા માટે સ્ટ્રેટેજી બનાવવામાં શિક્ષકો અને માતા-પિતાની મદદ કરે છે.
ફોરેન્સિક સાયકોલોજિસ્ટ
સાયકોલોજીના ક્ષેત્રમાં ફોરેન્સિક સાયકોલોજિસ્ટ બનવું એ પણ એક સારો વિચાર હોઈ શકે છે. હકીકતમાં, ફોરેન્સિક સાયકોલોજિસ્ટ કાનૂની સિસ્ટમ સાથે કામ કરે છે અને તેમને ગુનાહિત વર્તન સમજવામાં મદદ કરે છે. ક્રિમીનલ ઈન્વેસ્ટીગેશનમાં પણ મદદ કરે છે. આ રીતે તેઓ સાયકોલોજીને કાયદા સાથે જોડતી કડી તરીકે સેવા આપે છે.
સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ
જો તમને સ્પોર્ટ્સમાં રસ હોય અને માણસનું મન તેના પ્રદર્શનને કેવી રીતે પ્રભાવિત કરે છે તે જાણવું ગમે છે, તો સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ શ્રેષ્ઠ ક્ષેત્ર બની શકે છે. આ એક વિકસતું ક્ષેત્ર છે જે પ્રોફેશનલ એથ્લેટ્સને તેમનું પ્રદર્શન સુધારવા, પ્રેશરનો સામનો કરવા અને ઈજાઓમાંથી સાજા થવા માટે મેન્ટલ સ્ટ્રેટેજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.
રિસર્ચ સાયકોલોજિસ્ટ
રિસર્ચ સાયકોલોજિસ્ટ ડેટા સાથે કામ કરવાનું પસંદ કરે છે. આ સાયકોલોજિસ્ટ યુનિવર્સિટીઓ, રિસર્ચ ઈન્સ્ટીટયુટ અથવા ખાનગી ક્ષેત્રોમાં કામ કરે છે. વ્યક્તિ કેવી રીતે વિચારે છે, અનુભવે છે અને વર્તે છે તે સમજવા માટે તેઓ અભ્યાસ કરે છે.