
મુંબઈ શહેરને સપનાઓનું શહેર કહેવામાં આવે છે અને આ જ સપનાઓના શહેરમાં વસે છે બોલિવૂડ. આ બોલિવૂડમાં કેટલાક સ્ટાર્સ રાતોરાત ઊંચાઈઓને સ્પર્શી લે છે, તો ક્યારેક એક નાની ભૂલ કે એક ખોટું પગલું તે સ્ટાર્સ તરીકેની કારકિર્દીને હંમેશા માટે સમાપ્ત પણ કરી દે છે.
બોલિવૂડના ઇતિહાસમાં ઘણા એવા ચમકતા સ્ટાર્સ રહ્યાં છે, જેમણે ક્યારેક દર્શકોના દિલો પર રાજ કર્યું હતું. પણ તેમની એક ભૂલ તેમના પર એટલી ભારે પડી કે તેમના સુપરસ્ટારડમને હંમેશા માટે ખતમ કરી દીધા. આજે અમે તમને એવા બોલિવૂડ સ્ટાર્સના નામ જણાવીશુ, જે ક્યારેક લાઈમલાઇટમાં હતા. પણ તેમના એક નિર્ણયે તેમની કારકિર્દીને સમાપ્ત કરી દીધી.
શાઈની આહુજા
એક સમયે શાઈની આહુજા બોલિવૂડના ટોપ એક્ટર્સમાંથી એક હતો. 'હજારો ખ્વાહિશે ઐસી', 'ગેંગસ્ટર' અને 'લાઈફ ઇન અ... મેટ્રો' જેવી ફિલ્મોથી તેણે પોતાના શાનદાર અભિનયથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેની નિર્દોષતા અને ગંભીર અભિનયે તેને લાખો દિલોની ધડકન બનાવી દીધા હતા.
શાઈની આહુજાની કરિયરનો ગ્રાફ જોઈને બધાએ માની લીધું હતું કે તે લાંબી રેસના ઘોડો છે. પણ વર્ષ 2009માં દુષ્કર્મના ગંભીર આરોપે તેની કારકિર્દી સમાપ્ત કરી દીધી. એક ખોટા પગલાંના કારણે શાઈનીનું સ્ટારડમ નષ્ટ થઈ ગયો. આ દરમિયાન તેને એક-બે રોલ મળ્યા પણ, પરંતુ તે પોતાનો જૂનો દબદબો અને ખ્યાતિ પાછી મેળવી શક્યો નહીં.
મમતા કુલકર્ણી
90ના દાયકામાં મમતા કુલકર્ણીનું નામ દરેકની જીભ પર હતું. 'કરણ અર્જુન','સબસે બડા ખેલાડી' અને 'બાજી' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોથી અનેક દર્શકોના દિલ જીત્યા હતા. પોતાની બોલ્ડ ઇમેજ અને બેબાક અંદાજ માટે તે બોલિવૂડમાં પ્રખ્યાત હતી. પણ તેના જીવનમાં એક મોટો ટ્વિસ્ટ ત્યારે આવ્યો,જ્યારે તેનું નામ અંડરવર્લ્ડ ડોન વિકી ગોસ્વામીની સાથે જોડાયું.
ડ્રગ્સ તસ્કરી અને મની લોન્ડરિંગ જેવા અત્યંત ગંભીર આરોપોએ તેને ઘેરી લીધી. એક સમયે બોલિવૂડની ટોચની અભિનેત્રી ગણાતી મમતા કુલકર્ણી અચાનક જ બોલિવૂડની દુનિયાથી ખોવાઈ ગઈ. એક ભૂલના કારણે મમતાની કારકિર્દી એવી રીતે સમાપ્ત થઈ કે કોઈને વિશ્વાસ ન થયો કે બોલિવૂડનો ચમકતો સ્ટાર આ રીતે પણ ગાયબ થઈ શકે છે.
મોનિકા બેદી
90ના દાયકામાં મોનિકા બેદી પણ એક જાણીતી અભિનેત્રીમાંથી એક હતી. તેણે ઘણી ફિલ્મોમાં અભિનય કરી પોતાનો દબદબો જમાવ્યો હતો. પણ દેશમાં તેમનું નામ ત્યારે પ્રખ્યાત થયું, જ્યારે તેના સંબંધની ચર્ચા અંડરવર્લ્ડ ડોન અબૂ સાલેમ સાથે થવા લાગી. મોનિકાની અબૂ સાલેમની સાથે પોર્ટુગલમાં ધરપકડ પણ થઈ હતી.
બનાવટી પાસપોર્ટ સાથે ગંભીર આરોપના કેસમાં તેને જેલ પણ જવુ પડ્યું હતું. આ વિવાદાસ્પદ સંબંધ અને ગંભીર મામલાએ તેની બોલિવૂડ કરિયર પર સંપૂર્ણપણે બ્રેક લગાવી દીધી. જેલથી મુક્ત થયા બાદ તેણે ફિલ્મ અને ટીવીમાં પોતાનો દબદબો અજમાવાની ફરી કોશિશ કરી હતી, પણ તે સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી.
પૃથ્વી વઝીર
90ના દાયકાની શરૂઆતમાં બોલિવૂડમાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો હતો. અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના અને ઋષિ કપૂર જેવા પ્રખ્યાતના હાથમાંથી લીડ રોલ જવા લાગ્યા હતા. આ સમયે નવા ચહેરાઓમાં સલમાન, શાહરૂખ, આમિર જેવા ખાન અને અક્ષય કુમાર-અજય દેવગન જેવા નવા હીરો પણ શામેલ થયા.
આ દરમિયાન ઇન્ડસ્ટ્રીમાં એક એવા એકટરની એન્ટ્રી થઈ, જેણે જોઈ લોકો 'ધી નેક્સ્ટ રાજેશ ખન્ના' કહેવા લાગ્યા.આ એકટરનું નામ હતું પૃથ્વી વઝીર. તેનું સ્મિત અને તેનો અંદાજ રાજેશ ખન્ના જેવો હતો અને તેનામાં હીરો બનવાના બધા ગુણ હતા પણ પૃથ્વી વઝીરથી એક એવી ભૂલ થઇ કે તેની કારકિર્દી પર બ્રેક લાગી ગઈ. તેણે એક ખોટો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો. આ કોન્ટ્રાક્ટે તેને એ રીતે બાંધી દીધો કે તે બીજી સારી ફિલ્મો ન કરી શક્યો. તેના હાથમાંથી મોટી તકો નીકળી ગઈ અને જોતજોતામાં આ ‘નેક્સ્ટ રાજેશ ખન્ના’ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયો.
ગોવિંદા
ગોવિદા એક એવું નામ હતું, જે 90ના દાયકાની ઓળખ હતી. તેની અનોખી કોમેડી, જોરદાર ડાન્સ અને અનોખી સ્ટાઈલથી તેણે 'હીરો નંબર 1' નો ટેગ મેળવ્યો. 'કુલી નંબર 1', 'હસીના માન જાએગી' અને 'સાજન ચલે સસુરાલ' જેવી એક પછી એક સુપરહીટ ફિલ્મોએ તેને સુપરસ્ટાર બનાવ્યો પણ ગોવિંદાની ભૂલ કોઈ ગુનાઇત મામલા સાથે નહીં પરંતુ તેની કરિયરની પસંદગી અને અવ્યવસાયી વલણ સાથે જોડાયેલી છે.
ગોવિંદા હંમેશા સેટ પર મોડો પહોંચતો. બીજી તરફ, રાજકારણમાં પ્રવેશના કારણે પણ તેની ફિલ્મી કરિયરને ખરાબ અસર થઈ. ગોવિંદાએ આવા ઘણાં ખોટા નિર્ણયો લઈને પોતાના જ પગ પર કુહાડી મારી. એક સમયનો મેગા સ્ટાર ગણાતો ગોવિંદા હવે પોતે જ પ્રોડ્યુસ કરેલી ફિલ્મોમાં નજરે પડે છે.