
ગુજરાત સરકાર દ્વારા લગભગ સવા ત્રણ વર્ષ પછી ફરીથી આજે (30/05/2025) કોવિદ-19ની અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડેલ યાદીમાં ગુજરાતમાં હાલના કોવિડ-19ના એક્ટિવ કેસોના આંકડા દર્શાવવામાં આવ્યા છે.
રાજ્યમાં આજે કોરોનાના 68 કેસ નોંધાયા છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ 265 છે જેમાંથી 11 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જયારે 254 જેટલા દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. 26 દર્દીઓને અત્યારસુધી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોનાથી હજુ સુધી એક પણ મૃત્યુ કેસ નોંધાયો નથી.
મોટાભાગના દર્દી હાલ ઘરમાં જ સારવાર હેઠળ છે
ગુજરાતમાં 19 મેના કોવિડ પોઝિટિવનો આંક 7 હતો. કોવિડ પોઝિટિવ દર્દીમાં કયો વેરિયન્ટ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. અત્યારસુધી સત્તાવાર રીતે માત્ર એક દર્દીમાં નવો વેરિયન્ટ મળી આવ્યો છે. રાહતની વાત એ પણ છે કે, કોવિડના મોટાભાગના દર્દી હાલ ઘરમાં જ સારવાર હેઠળ છે. તબીબોના મતે, કોવિડની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને ડરવાની કોઈ જરૂર નથી.
- ગુજરાતમાં હાલમાં જે કેસો જોવા મળે છે તે ઓમીક્રોનના પેટા ટાઇપ વેરિયન્ટ LF.7.9 અને XFG Recombinant છે. જેમા દર્દી માઈલ્ડ તાવ, શરદી ખાસી જેવા લક્ષણો ધરાવે છે.
- હોમ આઈસોલેશનમાં ૨હેલા વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણોમાં જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક ક૨વો.
- ખાંસી/છીંક દરમિયાન નાકનું મોં ઢાંકવું. જાહેર સ્થળોએ થૂંકવું નહીં. અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરાવવો વગેરે કોવિડ એપ્રોપ્રીયેટ બિહેવિયરનું પાલન કરવું.
- કો-મોર્બીડ કંડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ મારકનો ઉપયોગ કરવો.
- કોવિડના કેસોમાં દ૨ 6 થી 8 માસમાં રાઈજિંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. 'સાવચેતી એજ સમજદારી છે'