ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં ભારે વરસાદને કારણે નોઘણવદર ગામથી મોતીશ્રી ગામ તરફ જવાનો કોઝવે તૂટી ગયો છે. આ ઘટનાને પગલે મોતીશ્રી, સુરનગર, બહાદુરપુર, વાળુકડ, પાંચ પીપળા સહિતના ગામોનો પાલીતાણા શહેર સાથેનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે આ ગામો સંપર્કવિહોણા થયા છે. રજાવળ નદી બે કાંઠે વહેતા નોઘણવદર ગામ પાસેનો કોઝવે તૂટી જતાં આ સમસ્યા સર્જાઈ છે.
ભાવનગરના જિલ્લા કલેક્ટકર ડૉ. મનીષ બંસલે માહિતી આપી કે, ભાવનગરમાં અતિશય વરસાદના લીધે કાલે એટલે કે, 18 જૂન 2025ના દિવસે તમામ શાળાઓમાં (જેમાં પ્રિ-પ્રાઇમરીથી લઈને ધોરણ 12 સુધીનો સમાવેશ થાય છે) રજા જાહેર કરવામાં આવે છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને અપીલ છે કે, આવતી કાલે તમામ શાળા બંધ રાખવામાં આવશે. આ નિર્દેશ ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓને લાગુ પડશે.
જીવાદોરી સમાન શેત્રુંજીની પાઇપલાઈન તૂટી
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ભૂતિયા ગામ નજીક ભૂતિયા અને શેત્રુંજી ડેમને જોડતો કોઝવે તૂટી ગયો. ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજીની જૂની પાઈપલાઈન પણ તૂટી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા
ભાવનગરના વલ્લભીપુર તાલુકાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવતા નદીના પાણી આસપાસના ગામડાઓમાં ઘૂસી ગયા હતા. જેના કારણે નવાગામ, લોલિયાના, હાલિયાદ અને ખેતાટીંબી સહિતના ગામડાઓનો તાલુકા સાથેનો સંપર્ક તૂટ્યો છે. નવા નીર આવવાથી નદીની આસપાસના ગામડાઓને ઍલર્ટ કરી દેવાયા છે.