Home / India : Chardham Yatra starts from today... It is mandatory to make trip card

Chardham Yatra આજથી યાત્રા શરૂ... મુસાફરોએ આવતા પહેલા ગ્રીન કાર્ડ અને ટ્રિપ કાર્ડ બનાવવું ફરજિયાત

Chardham Yatra આજથી યાત્રા શરૂ... મુસાફરોએ આવતા પહેલા ગ્રીન કાર્ડ અને ટ્રિપ કાર્ડ બનાવવું ફરજિયાત

Chardham Yatra : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ પર્યટકોને ટાર્ગેટ કરીને હુમલો કર્યો હતો. આ હુમલાને લઇને સમગ્ર તંત્ર એલર્ટ પર છે. એવામાં ઉત્તરાખંડની ચારધામ યાત્રા શરૂ થવા જઇ રહી છે. 30 મી એપ્રીલથી ઉત્તરાખંડમાં ભારે સુરક્ષા વચ્ચે ચારધામ યાત્રાનો પ્રારંભ થશે. હાલ વેકેશનનો સમયગાળો છે, એવામાં બહુ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં સામેલ થાય તેવા અહેવાલો છે. આતંકી હુમલો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને યાત્રાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.  

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

છ હજારથી વધુ પોલીસકર્મીઓને તૈનાત
Pahalgam Attack બાદ ઉત્તરાખંડમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉત્તરાખંડની ચારધામ યાત્રાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. આ યાત્રામાં સામેલ થનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે છ હજારથી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરાયા છે. આ ઉપરાંત 17 પીએસી કંપની, 10  અર્ધ સૈન્ય દળોની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. 15  સુપર ઝોનમાં બે હજારથી વધુ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આ વખતે ચારેય ધામોમાં એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ પણ તૈનાત કરાશે. કોઇ પણ પ્રકારની આફતને પહોંચી વળવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૬૩ પોસ્ટ બનાવવામાં આવી છે.  

એવા અહેવાલો છે કે આ વખતે અગાઉ કરતા પણ વધુ શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રાએ આવી શકે છે અને સંખ્યા 60  લાખ સુધી પહોંચી શકે છે. સુરક્ષા અંગે માહિતી આપતા રાજ્યના ડીજીપી દીપમ સેઠે કહ્યું હતું કે જવાનોની તૈનાતીની સાથે ગુપ્ત એજન્સીઓ પણ એલર્ટ પર છે. ચાર ધામ યાત્રા બુધવારે 30  એપ્રીલના રોજ શરૂ થવા જઇ રહી છે. 28  એપ્રીલથી ઓફલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરી દેવાયું હતું. જે માટે 20 કાઉંટર તૈયાર કરાયા છે. 60 ટકા રજિસ્ટ્રેશન ઓનલાઇન જ્યારે બાકીનું 40  ટકા રજિસ્ટ્રેશન ઓફલાઇન કરવાનો નિર્ણય લેવાયો છે. 

પહેલા દિવસે ઓફલાઇન રજિસ્ટ્રેશન માટે 1000નો સ્લોટ ફાળવવામાં આવ્યો છે. 30 એપ્રીલના રોજ અક્ષય તૃતીયાથી યાત્રાનો આરંભ થશે અને બુધવારે ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ પણ ખોલવામાં આવશે. જે બાદ બીજી મેના રોજ કેદારનાથ અને પછી ચાર મેના રોજ બદ્રીનાથના કપાટ ખોલવામાં આવશે.  જાણકારી અનુસાર ચાર ધામની યાત્રા માટે આશરે ૨૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. આ ચાર ધામ યાત્રામાં હિમાલયી ક્ષેત્રના હિન્દુ ધાર્મિક પવિત્ર સ્થળો યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથનો સમાવેશ થાય છે. યાત્રાના શરૂઆતના પોઇન્ટ હરિદ્વારમાં પણ ઓફલાઇન રજિસ્ટ્રેશન કેન્દ્ર તૈયાર કરાયું છે જ્યાં 20  કાઉન્ટર તૈનાત છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે બહુ જ જાણીતુ પર્યટન સ્થળ છે, એવામાં હાલ દેશના પર્યટન સ્થળોએ પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે ચારધામ યાત્રાના પર્યટન સ્થળોએ પણ સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખોલવાનો સમય-
ગંગોત્રી ધામના કપાટ 30 એપ્રિલ 2025 ના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલશે. ગંગોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે ચાર ધામ યાત્રા શરૂ થશે. આ પછી, યમુનોત્રી ધામના દરવાજા સવારે 11:55 વાગ્યે ખુલશે. અક્ષય તૃતીયાને શુભ મુહૂર્ત માનવામાં આવે છે. દર વર્ષે ચાર ધામ યાત્રા અક્ષય તૃતીયાથી શરૂ થાય છે.

કેદારનાથ ધામના દરવાજા ક્યારે ખુલશે-
કેદારનાથ ધામના દરવાજા 2 મે 2025 ના રોજ સવારે 06:20 વાગ્યે ખુલશે. સવારે 07 વાગ્યાથી ભક્તોને મંદિરમાં પ્રવેશ મળશે. મહાશિવરાત્રીના દિવસે કેદારનાથ મંદિરના દરવાજા ખોલવાની જાહેરાત કરવામાં આવે છે. કેદારનાથ ધામ ખુલતા પહેલા ઘણી પરંપરાઓ પણ કરવામાં આવે છે જેમાં બાબા ભૈરવનાથની પૂજા અને બાબા કેદારનાથની પંચમુખી ડોલીને ઉખીમઠથી કેદારનાથ ધામ લઈ જવાનો સમાવેશ થાય છે.

2025 માં બદ્રીનાથના દરવાજા ક્યારે ખુલશે:
બદ્રીનાથ ધામના દરવાજા 04 મે 2025 ના રોજ સવારે 06 વાગ્યે ખુલશે. આ ચાર ધામ યાત્રા માટે ચોથો પડાવ માનવામાં આવે છે.

ચારધામ યાત્રાનું મહત્વ- હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, ચારધામ યાત્રા કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે. પાપોનો નાશ થાય છે. વ્યક્તિને જીવનમાં સુખ અને શાંતિ મળે છે.

 

Related News

Icon