
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલીપુરા વિસ્તારમાં કપિરાજોનો આતંક સતત વધી રહ્યો છે. આજે ગુરુકૃપા સોસાયટીમાં રહેતી ધ્રુવિકા રાઠવા નામની બાળકી પર કપિરાજે હુમલો કર્યો હતો. જેથી બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
10 ટાંકા લેવાયા
મળતી માહિતી મુજબ, ધ્રુવિકા તેની માતાને બોલાવવા ઘરની બહાર નીકળી હતી ત્યારે અચાનક કપિરાજે હુમલો કર્યો હતો. આ ઘટનામાં બાળકીના પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક બોડેલીના ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેને પગમાં 10 જેટલા ટાંકા લેવાયા છે. હાલ ધ્રુવિકા સારવાર હેઠળ છે.
સ્થાનિકોમાં ભયનો માહોલ
ગત ત્રણ દિવસમાં આ પ્રકારની આ બીજી ઘટના છે. અગાઉ પણ એક આધેડ પર કપિરાજે હુમલો કર્યો હતો જેમાં તેને 18 ટાંકા લેવાયા હતા.અલીપુરા વિસ્તારમાં કપિરાજોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ખોરાકની શોધમાં તેઓ દુકાનો તથા ઘરોમાં ઘૂસીને ત્રાસ ફેલાવી રહ્યા છે. સતત થતા હુમલાઓને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.